ફ્લાઈટમાં પેપર વર્ક કરતાં વડાપ્રધાન મોદીની આ વાયરલ તસવીર શું કહી રહી છે? જાણો

23 September, 2021 12:27 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકા જતી વખતે તેમના વિમાનની અંદરની ઝલક આપતી તસવીર ટ્વીટ કરી હતી. 

પેપરવર્ક કરતાં વડાપ્રધાન મોદી( તસવીરઃ સૌ.ટ્વિટર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસની યાત્રા પર અમેરિકા પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથેની મુલાકાત સહિત ઘણા મોટા નેતાઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદી 25 સપ્ટેમ્બરે ક્વાડ નેતાઓના સમિટમાં ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ને સંબોધિત કરશે. બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકા જતી વખતે તેમના વિમાનની અંદરની ઝલક આપતી તસવીર ટ્વીટ કરી હતી. 

વડાપ્રધાન મોદીએ શેર કરેલી આ તસવીરમાં, તેઓ વિમાનની સીટ પર બેઠેલા જોવા મળે છે, આ દરમિયાન તેમની હાથમાં ફાઈલ અને કાગળો છે, આસપાસ પણ ઘણી બધી ફાઈલ્સ પડેલી જોવા મળી રહી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ` ફ્લાઇટની લાંબી મુસાફરી કાગળો અને ફાઇલો જોવાની તક આપે છે`. અહીં નોંધવું રહ્યું કે પીએમ મોદી બુધવારે દિલ્હીથી એરફોર્સ વિમાનમાં અમેરિકા જવા રવાના થયા હતા.

વોશિંગ્ટનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
પીએમ મોદીનું ખાસ વિમાન વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર હળવા વરસાદ વચ્ચે ઉતર્યું હતું. આ પછી વડાપ્રધાન મોદી છત્રી સાથે ખાસ વિમાનમાંથી બહાર આવ્યા અને લોકોનું અભિવાદન કર્યુ હતું. NSA અજીત ડોવાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ વડાપ્રધાન સાથે ખાસ વિમાનમાં પહોંચ્યા છે.

અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતુ. તેમને ડિફેન્સ ઓફિસર બ્રિગેડિયર અનૂપ સિંઘલ, એર કોમોડોર અંજન ભદ્રા, નેવલ કોમોડોર નિર્ભયા બાપના અને યુએસ ડેપ્યુટી મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ ટીએચ બ્રાયન મેક્કેન દ્વારા આવકારવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીનું વોશિંગ્ટનમાં ભવ્ય સ્વાગત, આજે કંપનીઓના CEO સાથે કરશે મુલાકાત

 સ્વાગત માટે રાહ જોઈ રહેલા લોકોને મળ્યા વડાપ્રધાન
પીએમ મોદી વિમાનમાંથી ઉતર્યા બાદ તેમના સ્વાગત માટે રાહ જોઈ રહેલા લોકોને મળ્યા હતાં. કોરોના સંક્રમણનો ભય હોવા છતાં, પીએમ મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી અને તેમની સાથે હાથ મિલાવ્યો હતો. આ પછી તેમણે ટ્વિટ કરીને લખ્યું કે વોશિંગ્ટન ડીસીમાં ઉષ્માભર્યા સ્વાગત માટે હું ભારતીય સમુદાયનો આભારી છું. એનઆરઆઈ આપણી તાકાત છે. તે પ્રશંસનીય છે કે કેવી રીતે ભારતીય ડાયસ્પોરાએ સમગ્ર વિશ્વમાં પોતાની જાતને અલગ કરી છે.

narendra modi united states of america national news