✕

પ્રેમાનંદ મહારાજના શિષ્યે જીવન ટૂંકાવ્યું: ગ્રાઇન્ડરથી ગુપ્તાંગ કાપી, ધાબા પરથી જંપલાવ્યું

27 September, 2026 06:52 PM IST  |  Vrindavan | Gujarati Mid-day Online Correspondent

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે બની હતી. દીપક તેમના રૂમમાંથી બહાર નીકળીને છત પર ગયા હતા. ત્યાં થોડીવાર બેઠા અને સૂતા રહ્યા બાદ તેઓ નીચે પડ્યા હતા. તેઓ આશ્રમથી લગભગ છ ફૂટ દૂર રસ્તા પર પડ્યા હતા.

CCTV ફૂટેજનો સ્ક્રીનશૉટ

મથુરાના વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક લોધી (ઉર્ફે રસિક દુલારીશરણ મહારાજ)ના મૃત્યુ અંગે પોલીસ તપાસ કરી રહી છે. શુક્રવારે સવારે, ૨૫ વર્ષીય દીપક `ગૌ કૃપા કુંજ આશ્રમ`ના ચોથા માળેથી નીચે પડી ગયા હતા. હૉસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક તપાસના આધારે આ મામલાની તપાસ કરી રહી છે. દરમિયાન, દીપકના પરિવારજનો અને વૃંદાવનના કેટલાક સંતોએ આ ઘટનાની નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસની માગ કરી છે.

સીસીટીવી ફૂટેજમાં જાણવા મળેલી વિગતો

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે બની હતી. દીપક તેમના રૂમમાંથી બહાર નીકળીને છત પર ગયા હતા. ત્યાં થોડીવાર બેઠા અને સૂતા રહ્યા બાદ તેઓ નીચે પડ્યા હતા. તેઓ આશ્રમથી લગભગ છ ફૂટ દૂર રસ્તા પર પડ્યા હતા, ત્યારબાદ અન્ય શિષ્યો તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મથુરાની એક હૉસ્પિટલ દ્વારા બપોરે લગભગ ૧૨:૩૦ વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, પોલીસે આશ્રમની મુલાકાત લીધી અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી. ફૂટેજમાં દીપક છત પરથી નીચે પડ્યા તે ક્ષણ જોઈ શકાય છે. પોલીસ આ કેસની તપાસ આત્મહત્યાના દ્રષ્ટિકોણથી કરી રહી છે. જોકે, તેઓ તેમના મૃત્યુ પહેલાં રૂમમાં થયેલી ઘટનાઓ પણ તપાસ કરી રહ્યા છે. પોલીસે રૂમમાંથી લોહી લાગેલું ગ્રાઇન્ડર અને શરીરનો એક કપાયેલો ભાગ કબજે કર્યો છે. વૃંદાવન સર્કલ ઓફિસર (CO) સંદીપ સિંહે જણાવ્યું હતું કે આશ્રમમાં રહેતા અન્ય શિષ્યો પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. દીપક સાથે રૂમ શૅર કરનાર અન્ય એક શિષ્ય ઘટના બન્યાના ઘણા સમય પહેલા જ રૂમમાંથી નીકળી ગયા હતા; આ બાબત પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ફૂટેજ સુરક્ષિત કરી લીધા છે અને ફોરેન્સિક ટીમે રૂમ તથા અન્ય સ્થળોએથી નમૂના ભેગા કર્યા છે.

સંતો દ્વારા સીબીઆઈ તપાસની માગ

દીપકના મૃત્યુ બાદ, વૃંદાવનના કેટલાક સંતોએ આ કેસ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર-મસ્જિદ વિવાદમાં અરજદાર રહેલા દિનેશ ફલાહારી મહારાજે કહ્યું, "આ સંજોગોને ધ્યાનમાં રાખીને સીબીઆઈ તપાસ થવી જોઈએ." મહામંડલેશ્વર રાધાનંદ ગિરીએ જણાવ્યું હતું કે પ્રેમાનંદ મહારાજના એક શિષ્ય સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે અને તેમણે સમગ્ર મામલાની ઊંડી તપાસ કરવાની માગ કરી હતી. મહંત પવન ગિરી મહારાજે કહ્યું, "પ્રાથમિક દ્રષ્ટિએ આને આત્મહત્યાનો મામલો માનવો યોગ્ય નથી." તેમણે સંતો અને મહાત્માઓની સુરક્ષા અંગે ગંભીર વિચારણા કરવાની પણ માગ કરી હતી.

દીપક ૨૦૨૫માં વૃંદાવન આવ્યા હતા

જબલપુરના રહેવાસી દીપક, સંત પ્રેમાનંદ મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા બાદ ૨૦૨૫માં વૃંદાવન આવ્યા હતા. દીક્ષા લીધા પછી, તેમણે આશ્રમની કામગીરીમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. ગૌ કૃપા કુંજ આશ્રમમાં લગભગ ૪૦ થી ૫૦ સાધકો નિવાસ કરે છે. ચાર માળના આ આશ્રમમાં સાધકો રાધા રાણીની ઉપાસના કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ આશ્રમનું સંચાલન લગભગ બે મહિના પહેલા શરૂ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, ત્યારબાદ તપાસની આગળની દિશા સ્પષ્ટ થશે.

premanand ji maharaj viral videos Crime News suicide vrindavan uttar pradesh