ચારધામ યાત્રામાં હેલિકૉપ્ટર સર્વિસ બંધ: હજારો શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં

16 May, 2019 08:06 AM IST  |  ચાર ધામ | પ્રકાશ બાંભરોલિયા

ચારધામ યાત્રામાં હેલિકૉપ્ટર સર્વિસ બંધ: હજારો શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં

ચારધામ

ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ હિન્દુઓના આ ચારેય ધામ એટલે કે ચારધામ યાત્રાની ૯ મેથી શરૂઆત થઈ હોવાથી દેશભરમાંથી દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યાં છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધી હેલિકૉપ્ટરની સર્વિસ શરૂ ન થતાં યાત્રીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હેલિકૉપ્ટરથી જ્યાં માત્ર ૯થી ૧૧ મિનિટમાં કેદારનાથ પહોંચી જવાય છે એની સામે ઘોડા પર કે ડોલીમાં ૫થી ૬ કલાક લાગતા હોવાથી સિનિયર સિટિઝનો માટે આ ધાર્મિક યાત્રા દુ:ખદ યાત્રા બની હોવાનું જાણવા મળ્યું હતું.

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ૭ મેએ તો કેદારનાથના ૯ મે અને બદરીનાથના કપાટ ૧૦ મેએ ખૂલી ગયા હોવાથી દેશભરના યાત્રાળુઓ દેહરાદૂન તથા આસપાસના વિસ્તારમાં પહોંચી રહ્યા છે. અનેક સિનિયર સિટિઝનોએ યાત્રા સરળતાથી થઈ શકે એ માટે ચારધામ પહોંચવા માટે મહિનાઓથી હેલિકૉપ્ટરનું બુકિંગ કરાવી લીધું હતું. જોકે આ શ્રદ્ધાળુઓ ગુપ્તકાશીથી ગૌરીકુંડ વચ્ચેના ૪૦ કિલોમીટરના બેલ્ટમાં આવેલા ૧૨ હેલિપૅડ પાસે પહોંચે છે ત્યારે તેમને સર્વિસ બંધ હોવાનું કહેવામાં આવતાં તેઓ ચોંકી ઊઠે છે. તેમણે ડોલીમાં ચડવા-ઊતરવા માટે ૬૫૦૦ રૂપિયા અને ઘોડેસવારી માટે ૭૫૦૦ રૂપિયા ચૂકવીને યાતનાદાયક પહાડી વિસ્તારની મુસાફરી કરવી પડી રહી છે.

કેદારનાથની યાત્રા કર્યા બાદ સીતાપુરની હોટેલ શિવાલિકમાં આરામ ફરમાવી રહેલા ઘાટકોપરના ૫૭માંથી કેટલાક શ્રદ્ધાળુઓ. આજે તેઓ બદરીનાથ જવા રવાના થયા હતા.

મુંબઈમાં હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની ચારધામની યાત્રામાં ઘાટકોપરના ૫૭ શ્રદ્ધાળુઓનું ગ્રુપ ગયું છે. આ ગ્રુપમાં પચાસ ટકા જેટલા સભ્યો સિનિયર સિટિઝન હોવાથી સૌએ ઊંચાઈનાં સ્થળોએ પહોંચવા માટે હેલિકૉપ્ટરનું બુકિંગ કરાવ્યું હતું. જોકે દેહરાદૂન પહોંચ્યા પછી ખબર પડી કે હેલિકૉપ્ટર સર્વિસ તો હજી શરૂ જ નથી થઈ.

આ ગ્રુપના નીતિનભાઈ સુરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચારધામની યાત્રા સરસ રીતે થાય એ માટે અમે હેલિકૉપ્ટરનું પણ બુકિંગ કરાવ્યું હતું. જોકે અત્યાર સુધી આ સર્વિસ ચાલુ ન કરાતાં અમારે ઘોડા પર બેસીને કે ડોલીમાં સવાર થઈને યાત્રા કરવી પડી હતી. પહાડીઓમાં પાંચથી છ કલાક આવી રીતે મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ બની હતી. કોઈકે કહ્યું કે ચૂંટણીને લીધે હેલિકૉપ્ટરની સર્વિસ બંધ છે. આવા કારણસર હજારો યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાય એ યોગ્ય નથી.’

પહેલી વાર આવું બન્યું

હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના પ્રભુભાઈ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ચારધામની યાત્રા શરૂ થાય એના એકાદ મહિના પહેલાં હેલિકૉપ્ટરની સર્વિસ માટે સુરક્ષાથી માંડીને બધી જ તૈયારીઓ કરી દેવાય છે. આ વખતે ટૅન્ડરની પ્રોસેસ મોડી કરાતાં આ મુશ્કેલી ઊભી થઈ હોવાનું સરકારી અધિકારીઓ કહે છે. જો સરકારનું આવું જ વર્તન હશે તો ભવિષ્યમાં ચારધામ યાત્રા મુશ્કેલીમાં મુકાઈ જશે.’

સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મુકાવી જોઈએ

કુલિનકુમાર હોલિડેઝના કુમારભાઈ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષો સુધી અમે ચારધામ યાત્રાની ટૂરો કરતા. વધુ યાત્રાળુઓને આકર્ષવા માટે સરકાર કે ટૂરિઝમ વિભાગ દ્વારા કોઈ પ્રયાસ ન કરાતા હોવાથી અત્યારની હેલિકૉપ્ટર સર્વિસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. હજારો-લાખો યાત્રાળુઓ એન્જૉય કરતાં-કરતાં ભગવાનનાં દર્શન કરવા માગે છે, પણ આવી સમસ્યાઓથી એ શક્ય નથી થઈ રહ્યું. સરકાર જ્યાં સુધી સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં નહીં મૂકે ત્યાં લગી સુધારો નહીં થાય.’

હેલિકૉપ્ટર કેમ નથી ઊડતાં?

ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડના ડિરેક્ટર નરેન્દ્ર સિંહ ક્યુરિયલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ કરતાં આ વખતે વધુ હેલિપૅડનું નર્મિાણ કરાયું હોવાથી કોઈકે આનો વિરોધ કરવા હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી લાંબી ચાલતાં અત્યાર સુધી હેલિકૉપ્ટર સર્વિસ શરૂ કરવા માટેની સલામતીનું સર્વે બાકી રહી ગયું છે. કોર્ટમાંથી પણ
આ માટે ક્લિયરન્સ મળી ગયું હોવાથી ત્રણેક દિવસમાં ચારધામની બધી હેલિકૉપ્ટર સર્વિસ શરૂ થઈ જશે.’

આ પણ વાંચો : મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અબ્દૂલ રહેમાન મક્કીની ધરપકડ

ચારધામના ત્રણ રૂટમાં દર ઘટાડાયા

સરકારે ચારધામ યાત્રાને પ્રોત્સાહન આપવા માટે હેલિકૉપ્ટર સર્વિસના વન-વે દરમાં શનિવારે ઘટાડો જાહેર કયોર્ છે. ફાટા-કેદારનાથના અગાઉના ૩૩૫૦ રૂપિયાની ટિકિટ સામે ૨૩૯૯ રૂપિયા કરાયા છે. સેરસી-કેદારનાથના રૂપિયા ૩૧૭૫માંથી ૨૪૭૦ કરાયા છે. જોકે ગુપ્તકાશી-કેદારનાથ માટે ૩૬૫૦ રૂપિયાથી વધારીને ૪૨૭૫ કરવામાં આવ્યા છે.

national news