રાજકારણે પરિવારમાં ભાગલા પાડ્યા, એક જ છત નીચે રહેવા છતાં વિચારધારા અલગ-અલગ

29 January, 2022 09:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલાં એક જ પરિવારના સભ્યો આમને-સામને આવી ગયા હોય એવા અનેક કિસ્સા જોવા મળ્યા છે

અખિલેશ યાદવ (એસપી), અપર્ણા યાદવ (બીજેપી)

રાજકારણની સીધી અસર સંબંધો પર પણ પડે છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલાં એક જ પરિવારના સભ્યો આમને-સામને આવી ગયા હોય એવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. જેમાંથી કેટલાક તો એક જ છત નીચે રહેવા છતાં અલગ-અલગ વિચારધારાને અનુસરે છે. 
સ્વામી પ્રસાદ મૌર્ય (એસપી) અને સંઘમિત્રા મૌર્ય (બીજેપી)
યોગી કૅબિનેટના ભૂતપૂર્વ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય તાજેતરમાં જ બીજેપી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. છ જેટલા ધારાસભ્યો પણ તેમને અનુસર્યા હતા. વાસ્તવમાં સ્વામી પ્રસાદના આ પગલાંથી તેમની દીકરી અકળાઈ છે. કેમ કે તેઓ બદાયું બેઠક પરથી બીજેપી એમપી છે અને તેઓ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ દ્વારા આ પાર્ટી માટે પ્રચાર કરે છે. સ્વામી પ્રસાદે કહ્યું હતું કે તેમનો નિર્ણય પર્સનલ છે અને તેમના ફૅમિલી મેમ્બર્સ માટે બંધનકર્તા નથી. 
પ્રતાપ સિંહ બાજવા (કૉન્ગ્રેસ) અને ફતેહ જંગ સિંહ બાજવા (બીજેપી) 
આ બન્ને ભાઈઓ વચ્ચેની લડાઈ તો જગજાહેર છે. રાજ્યસભાના એમપી પ્રતાપ રાજ્યના રાજકારણમાં પાછા આવવા માગતા હતા અને તેમને પંજાબના કાદિયાં બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કાદિયાંના અત્યારના ધારાસભ્ય ફતેહ જંગ છે. તે હવે કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં જતા રહ્યા છે.
અપર્ણા યાદવ (બીજેપી) અને અખિલેશ યાદવ (એસપી)
સમાજવાદી પાર્ટીના અગ્રણી મુલાયમ સિંહની નાની પુત્રવધૂ અપર્ણા તાજેતરમાં પરિવારની વિચારધારાથી અલગ બીજેપીમાં જોડાઈ હતી. ખાસ કરીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને મુલાયમના મોટા દીકરા અખિલેશની ઇચ્છા વિરુદ્ધ. ઉપરાંત યાદવ પરિવારમાંથી મુલાયમના ખાસ વિશ્વાસુ હરિઓમ યાદવ અને પ્રમોદ ગુપ્તા પણ તેને અનુસર્યા હતા. 
ઇમરાન મસૂદ (એસપી) અને નોમાન મસૂદ (બીએસપી)
મસૂદ પરિવાર પરંપરાગત રીતે કૉન્ગ્રેસ પ્રત્યે વફાદાર હતો. કૉન્ગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન કરાવવામાં નિષ્ફળ ગયા બાદ ઇમરાન સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તેનો ભાઈ નોમાન બીએસપીમાં જોડાયો હતો. વાસ્તવમાં ખેડૂતોના આંદોલન દરમ્યાન નોમાન રાષ્ટ્રીય લોકદળમાં જોડાયો હતો. આ બન્ને ભાઈઓ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી કૉન્ગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતા અને બન્ને બીજેપીના ઉમેદવારોની વિરુદ્ધ હારી ગયા હતા.
રિયા શાક્ય (બીજેપી) અને વિનય શાક્ય (એસપી)
બિધૂનામાંથી બીજેપીના ધારાસભ્ય વિનય શાક્ય સ્વામી પ્રસાદ મૌર્યની સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. જોકે તેમની દીકરીએ બીજેપીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો એ પછી તેને એ જ બેઠક પરથી બીજેપીમાંથી ટિકિટ આપવામાં આવી હતી. રિયાએ આરોપ પણ મૂક્યો હતો કે તેના કાકા અને દાદીએ તેના પિતાનું અપહરણ કરાવીને તેમને સમાજવાદી પાર્ટીમાં જોડાવા માટે ફરજ પાડી હતી. વિનયે આ દાવાને ફગાવી દીધો હતો. સમાજવાદી પાર્ટીએ બિધુના બેઠક પરથી હજી ઉમેદવાર જાહેર કર્યો નથી. રિયાની વિરુદ્ધ ચૂંટણીમાં તેના પિતા કે કાકા રહે એવી શક્યતા છે. 
રિતેશ પાંડે (બીએસપી) અને રાકેશ પાંડે (એસપી)
રિતેશ આંબેડકરનગરથી બીએસપીના એમપી છે. તેમના ફાધર રાકેશ એ જ બેઠક પરથી બીએસપીની ટિકિટ પરથી ચૂંટાયા હતા. તેઓ એસપીમાં જતા રહ્યા છે. પાંડે પરિવારનો બ્રાહ્મણ મતો પર પ્રભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાકેશે પાર્ટી છોડી છે ત્યારે એનાથી મુસ્લિમ, દલિત અને બ્રાહ્મણ મતો મે‍ળવવાની બીએસપીના અધ્યક્ષ માયાવતીની સોશ્યલ એન્જિનિયરિંગ ફૉર્મ્યુલા પર અસર થઈ શકે છે. 
કાઝિમ અલી ખાન (કૉન્ગ્રેસ) અને હૈદર અલી ખાન (અપના દલ એસ)
ઉત્તર પ્રદેશમાં રામપુરના રોયલ ફૅમિલીના આ વંશજો ૨૩ જાન્યુઆરી સુધી માત્ર કૉન્ગ્રેસ પ્રત્યે વફાદાર હતા. જોકે હૈદર અપના દલ (એસ)માં જોડાયો. તેને સ્વાર બેઠક પરથી ટિકિટ મળી છે. તેના પિતા કાઝિમ કૉન્ગ્રેસની ટિકિટ પરથી રામપુરથી આઝમ ખાનનો મુકાબલો કરશે. 

national news indian politics assembly elections