વકીલો સાથેની અથડામણના વિરોધમાં પોલીસકર્મીઓ રસ્તા પર ઊતર્યા

06 November, 2019 10:25 AM IST  |  New Delhi

વકીલો સાથેની અથડામણના વિરોધમાં પોલીસકર્મીઓ રસ્તા પર ઊતર્યા

(જી.એન.એસ.) દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આજે દિલ્હી પોલીસના જવાનોએ સવારથી પોલીસ હેડ-ક્વાર્ટરની બહાર દેખાવો કર્યા છે. તેમના હાથમાં ‘સેવ ધ પોલીસ’,‘અમને ન્યાય જોઈએ’,‘હાઉ ધ જોશ.., લૉ સર’ ‘સરખો ન્યાય મળે’ જેવા નારાનાં પોસ્ટર જોવા મળ્યા હતા. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસે આ અંગેનો રિપોર્ટ માગ્યો છે. સાકેત કોર્ટમાં મારઝૂડના મામલામાં પોલીસકર્મીઓના નિવેદનના આધારે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે સમગ્ર મામલે હજુ પણ કોઈ નિવેડો નથી આવ્યો. દિલ્હી પોલીસના જવાનોને સમજાવવા માટે કમિશનર અમુલ્ય પટનાયક આવ્યા હતા તો તેમને પણ જવાનોના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જવાનોએ તો તેમની સામે જ નારા લગાવ્યા હતા કે હમારા કમિશનર કેસા હો...કિરણ બેદી જેસા હો.


દિલ્હી પોલીસના જવાનો માગણી કરી રહ્યા છે કે જે પણ પોલીસકર્મીઓ પર વકીલોએ હુમલા કર્યા છે તેમની સામે એક્શન લેવામાં આવે. જોકે સિનિયર પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પણ વિરોધ કરી રહેલા જવાનો પીછેહઠ કરવા માટે તૈયાર નથી. બીજી તરફ જ્યારે કમિશનરે તેમને ડ્યુટી પર પરત જવા અપીલ કરી ત્યારે પોલીસકર્મીઓ વધારે ઉશ્કેરાયા હતા અને તેમણે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

આ પણ જુઓ : આટલું શાનદાર, દમામદાર છે દિલ્હીમાં બનેલું ગરવી ગુજરાત ભવન, જુઓ ફોટોઝ

આ પહેલાં પટનાયકે પોલીસ કર્મચારીઓને અપીલ કરતાં કહ્યું હતું કે આ સ્થિતિને આપણે પરીક્ષાની ઘડી સમજવી જોઈએ. આપણા માથે કાયદો સંભાળવાની જવાબદારી છે. સરકાર અને જનતાને આપણી પાસે અપેક્ષા હોય છે. આપણે કોર્ટના આદેશ પર બનાવેલી તપાસ સમિતિ પર ભરોસો રાખવો પડશે. શનિવારના રોજ તીસહજારી કોર્ટમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થયું હતું. બન્ને વચ્ચે મામલો એટલો તંગ થયો હતો કે પોલીસે ફાયરિંગ કરવી પડી. ત્યારબાદ વકીલોએ પોલીસ જીપ સહિત કેટલાંક વાહનોમાં આગ ચાંપી દીધી હતી અને તોડફોડ કરી હતી.

national news delhi