શાહીનબાગ સંયોગ નહીં, રાષ્ટ્રની એકતાને ખંડિત કરવાનો પ્રયોગ : મોદી

04 February, 2020 09:56 AM IST  |  New Delhi

શાહીનબાગ સંયોગ નહીં, રાષ્ટ્રની એકતાને ખંડિત કરવાનો પ્રયોગ : મોદી

નરેન્દ્ર મોદી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે વડા પ્રધાન મોદીએ ગઈ કાલથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો છે. ચૂંટણી સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના લોકોના એક-એક મતે બીજેપીની તાકાત વધારી હતી. સાતેય સીટ આપીને દિલ્હીના લોકોએ ત્યારે પણ કહી દીધું હતું કે તેઓ કઈ દિશામાં વિચારી રહ્યા છે. દિલ્હીના લોકોના મતે દેશ બદલવામાં ખૂબ મોટી મદદ કરી છે. હવે દિલ્હીના લોકોનો વોટ પોતાની દિલ્હીને પણ બદલશે અને આધુનિક બનાવશે, સુરક્ષિત બનાવશે. અહીં રહેનારા લોકોનું જીવન વધુ સરળ બનાવશે.

દિલ્હીના જામિયા અને શાહીનબાગ સહિત દેશભરમાં ઠેર-ઠેર થઈ રહેલા સીએએ અને એનઆરસીના વિરોધ બાબતે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે છેલ્લા કેલાક દિવસોથી સતત સીએએના વિરોધ-પ્રદર્શન એસિલમપુર, જામિયા કે શાહીનબાગમાં થઈ રહ્યા છે. શું આ યોગાનુયોગ છે? ના, આ તેઓ એક્સ્પરિમેન્ટ કરી રહ્યા છે. આ વિરોધ દેશની સંવાદિતા ખોરવી નાખવાના રાજકારણથી પ્રેરિત છે. જો આ કાયદાનો જ વિરોધ હોત તો સરકારે આપેલાં તમામ આશ્વાસનો બાદ એ પૂરો થઈ જવો જોઈતો હતો, પણ આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસ રાજકારણ રમી રહ્યા છે.

તેમણે કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું કે કેજરીવાલે ગરીબોના હક છીનવી લીધા અને કેન્દ્રની યોજનાઓ લાગુ કરી નહીં. દિલ્હીને બદલવા માટે આપને બદલવાની જરૂર છે. જે લોકો હાલ સત્તામાં છે કે રાજનીતિ સિવાય કંઈ નથી કરતા. દિલ્હીની સરકાર કેન્દ્રની યોજના લાગુ થવા દેતી નથી. શું ગરીબોને ઘર મળવું ન જોઈએ? સરકારે લોકોના કલ્યાણ માટે કામ કરવું જોઈએ, પરંતુ દિલ્હીની આ સરકાર આવું કરવા દેતી નથી. આ લોકો સકારાત્મક વિચાર સાથે કામ કરી શકતા નથી. દુર્ભાગ્યથી દિલ્હીની સત્તા ખોટા હાથોમાં છે.

આ પણ વાંચો : દિલ્હીમાં જામિયા મિલિયા યૂનિર્વસિટીમાં બૅરિકેડ્સ ન હોવાથી શૂટર્સ ભાગી છૂટ્યા

સીએએ-એનઆરસી મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો : ‘ગોલી મારના બંધ કરો’ના સૂત્રો પોકાર્યાં

સંસદના બજેટસત્રમાં સોમવારે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી મુદ્દે હોબાળો થયો છે. કૉન્ગ્રેસ, તૃણમૂલ, એમસીપી અને આરજેડી સહિત વિપક્ષના સંસદસભ્યોએ રાજ્ય કક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુર બોલવા માટે ઊભા થયા એ અગાઉ લોકસભામાં ગોલી મારના બંધ કરો, દેશ કો તોડના બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારે ધમાલ વચ્ચે લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. દોઢ વાગ્યાથી ફરી વખત જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે બીજેપીના સંસદસભ્ય પ્રવેશ વર્મા બોલવા માટે ઊભા થતાં ભારે હોબાળો થયો હતો.

national news narendra modi new delhi shaheen bagh