હું જમ્મુ અને કાશ્મીરના લોકોને વચન આપું છું કે વિકાસને રોકવા નહીં દઉં - પીએમ મોદી

08 June, 2025 06:53 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

માતા વૈષ્ણોદેવીના આશીર્વાદથી આજે કાશ્મીર ખીણ ભારતના રેલવે નેટવર્ક સાથે જોડાઈ છે એવું જણાવીને નરેન્દ્ર મોદીએ કટરામાં કહ્યું… પાકિસ્તાનની સાજિશ જમ્મુ-કાશ્મીરના લોકોની કમાણી છીનવવાની છે, એ ગરીબની રોજીરોટીનો પણ વિરોધી છે

ગઈ કાલે ચેનાબ બ્રિજ પર તિરંગા સાથે નરેન્દ્ર મોદી અને એના પરથી પસાર થતી વંદે ભારત એક્સપ્રેસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યને ૪૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ગિફ્ટ આપી હતી. તેમણે ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને કટરાથી શ્રીનગર સુધીની વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી હતી. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પહેલી વાર નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા.

ગઈ  કાલે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડતા નરેન્દ્ર મોદી

ચેનાબ નદી પર બાંધવામાં આવેલો બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે જે નદીથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલો છે. આ બ્રિજ પૅરિસના આઇફલ ટાવર કરતાં ૩૫ મીટર ઊંચો છે. આ બ્રિજનું આયુષ્ય ૧૨૦ વર્ષ સુધીનું છે અને એ ૧૪૮૬ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ચેનાબ રેલ બ્રિજ અને અંજી ખડ બ્રિજ ખૂલવાથી કાશ્મીર જનારાઓ માટે ટ્રેનની મુસાફરી સસ્તી અને સરળ બનશે.

બ્રિજના ઉદ્ઘાટન પહેલાં વડા પ્રધાન મોદીએ ચેનાબ રેલ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને બ્રિજ પર કામ કરતા મજૂરોને મળ્યા હતા. ત્યાર બાદ તેમણે દેશના પ્રથમ કેબલ સ્ટે રેલ બ્રિજ અંજી ખડ બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

વંદે ભારત એક્સપ્રેસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા નરેન્દ્ર મોદી

આ પ્રસંગે કટરા રેલવે-સ્ટેશન સામે એક જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ કાર્યક્રમ ભારતની એકતા અને ઇચ્છાશક્તિનો મહાન ઉત્સવ છે. માતા વૈષ્ણોદેવીના આશીર્વાદથી આજે કાશ્મીર ખીણ ભારતના રેલવે નેટવર્ક સાથે જોડાઈ છે. માતા ભારતીનું વર્ણન કરતી વખતે આપણે શ્રદ્ધાથી કહીએ છીએ કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી. આ હવે રેલવે નેટવર્ક માટે પણ વાસ્તવિકતા બની ગઈ છે.’

વડા પ્રધાને બીજું શું કહ્યું?

ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક (USBRL) પ્રોજેક્ટ એ ફક્ત નામ નથી. આ જમ્મુ અને કાશ્મીરની નવી તાકાતની ઓળખ છે. ચેનાબ અને અંજી પુલ પર ચાલતી વખતે મને ભારતની ઉચ્ચ આકાંક્ષાઓ અને અમારા એન્જિનિયરો અને કામદારોની કુશળતા અને હિંમતનો અનુભવ થયો.

અમારી સરકારનું સૌભાગ્ય છે કે અમારા કાર્યકાળ દરમ્યાન આ પ્રોજેક્ટને ગતિ મળી અને અમે એને પૂરો કર્યો. મુસાફરીમાં મુશ્કેલીઓ અને હવામાનની સમસ્યાઓ હતી તથા પર્વતો પરથી સતત પથ્થરો પડતા હોવાથી આ પ્રોજેક્ટ પૂરો કરવો પડકારજનક હતો; પરંતુ અમારી સરકારે પડકારને જ પડકારવાનો માર્ગ પસંદ કર્યો છે.

ચેનાબ પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે. હવે લોકો ચેનાબ બ્રિજ દ્વારા ફક્ત કાશ્મીર જોવા માટે નહીં આવે, આ બ્રિજ પોતે જ એક આકર્ષક પર્યટન-સ્થળ પણ બનશે.

આપણો અંજી બ્રિજ પણ એન્જિનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ ભારતનો પહેલો કેબલ-સપોર્ટેડ રેલવે બ્રિજ છે. આ બન્ને પુલ ફક્ત ઈંટ, સિમેન્ટ, સ્ટીલ અને લોખંડના બનેલા નથી પરંતુ પીર પંજાલની દુર્ગમ ટેકરીઓ પર ઊભેલા ભારતની શક્તિનું જીવંત પ્રતીક છે.

ગઈ કાલે અંજી બ્રિજ પર નરેન્દ્ર મોદી, જે દેશનો પહેલો કેબલ સ્ટે રેલવે બ્રિજ છે

ત્રીજી જુલાઈથી અમરનાથ યાત્રા પણ શરૂ થવાની છે. આપણે ચારે બાજુ ઈદનો ઉત્સાહ પણ જોઈ રહ્યા છીએ. પહલગામના હુમલાથી જમ્મુ-કાશ્મીરમાં જે વિકાસનું વાતાવરણ સર્જાયું છે એ ડગમગશે નહીં.

હું જમ્મુ અને કાશ્મીરના લોકોને વચન આપું છું કે વિકાસને રોકવા નહીં દઉં. જો અહીંના યુવાનોનાં સપનાં પૂરાં કરવામાં કોઈ અવરોધ આવશે તો પહેલાં મોદીએ એ અવરોધનો સામનો કરવો પડશે.

BJP-NDA સરકાર કેન્દ્રમાં ૧૧ વર્ષથી સત્તામાં છે. આ ૧૧ વર્ષ ગરીબોના કલ્યાણ માટે સમર્પિત કરવામાં આવ્યાં છે. પીએમ આવાસ યોજના દ્વારા ૪ કરોડ ગરીબ લોકોનું કાયમી ઘરનું સપનું પૂરું થયું છે.

બરાબર એક મહિના પહેલાં ૬ મેની રાત્રે પાકિસ્તાનના આતંકવાદીઓનો નાશ થયો હતો. હવે જ્યારે પણ પાકિસ્તાન ઑપરેશન સિંદૂરનું નામ સાંભળશે ત્યારે એને એની શરમજનક હાર યાદ આવશે. પાકિસ્તાની સેના અને આતંકવાદીઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓ પર આ રીતે હુમલો કરશે. તેમણે વર્ષોની મહેનતથી બનાવેલી આતંકની ઇમારતો થોડી વારમાં ખંડેર બની ગઈ.

પાકિસ્તાને પહલગામમાં માનવતા અને કાશ્મીરિયત બન્ને પર હુમલો કર્યો હતો. એનો હેતુ ભારતમાં રમખાણો કરાવવાનો હતો. પાકિસ્તાને પ્રવાસીઓ પર હુમલો કર્યો, કારણ કે એ કાશ્મીરના મહેનતુ લોકોની કમાણી રોકવા માગતું હતું અને એટલે જ એણે ટૂરિસ્ટો પર હુમલો કર્યો, જે છેલ્લાં પાંચ વર્ષથી સતત વધી રહ્યા હતા.

પાડોશી દેશ માનવતા અને પર્યટનનો વિરોધી છે. એ એવો દેશ છે જે ગરીબની રોજીરોટીનો પણ વિરોધી છે. પાકિસ્તાનની સાજિશ જમ્મુ-કાશ્મીરના લોકોની કમાણી છીનવવાની છે.

આતંકવાદે ઘાટીમાં સ્કૂલો સળગાવી છે, હૉસ્પિટલો તોડી છે અને અનેક પેઢીઓને બરબાદ કરી છે, પણ હવે જમ્મુ-કાશ્મીરના નવજુવાનો આતંકવાદને જડબાતોડ જવાબ આપવાનું મન બનાવી ચૂક્યા છે.

કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસમાં ટ્રાવેલ કરતા સ્ટુડન્ટ‍્સ ઐતિહાસિક પ્રસંગનાં ચિત્રો સાથે

જે કામ અંગ્રેજો ન કરી શક્યા એ મોદી સરકારે પૂરું કર્યું : ઉમર અબદુલ્લા

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લાએ જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘ઘણા લોકોએ આ રેલવે-સેવાનું સપનું જોયું હતું. જે કામ અંગ્રેજો ન કરી શક્યા એ વડા પ્રધાન મોદીએ પૂરું કર્યું છે અને કાશ્મીર ખીણ હવે દેશના બાકીના ભાગ સાથે જોડાયેલી છે. આ પ્રસંગે જો હું ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ ન કરું અને તેમનો આભાર ન માનું તો એ મારી ભૂલ હશે. જ્યારે આ પ્રોજેક્ટનો પાયો નાખવામાં આવ્યો ત્યારે હું આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. હવે હું પંચાવન વર્ષનો છું અને આખરે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.’

jammu and kashmir srinagar vande bharat narendra modi indian railways national news news india