નીતિ આયોગની બેઠકમાં જીએસટીમાં રાજ્યોનો હિસ્સો વધારવા તેમ જ લોકપાલની ભૂમિકાની માગ

08 August, 2022 09:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જીએસટી વળતરના મુદ્દા પર ભૂપેશ બઘેલે જૂન ૨૦૨૨ બાદ રાજ્યને ચૂકવવામાં આવેલા વળતરને પાંચ વર્ષ લંબાવવાની માગણી કરી હતી.

નવી દિલ્હીમાં ગઈ કાલે રાષ્ટ્રપતિભવન કલ્ચરલ સેન્ટર ખાતે નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ કેન્દ્રીય પ્રધાનો અને જુદાં-જુદાં રાજ્યોના મુખ્ય પ્રધાનો.

નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે રાજ્ય પર વધતા જતા ભારણને જોતાં જીએસટીમાં રાજ્યોનો હિસ્સો વધારવા વિનંતી કરી છે.

મીટિંગમાં હાજર રહેલા ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કહ્યું હતું કે નીતિ આયોગ લોકપાલની ભૂમિકા નિભાવી શકે છે. કેન્દ્રીય યોજનાઓના અમલીકરણમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના વિવાદને ઉકેલી શકે છે. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં તેલંગણના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવ અને બિહારના નીતિશ કુમારને બાદ કરતાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. તેલંગણના મુખ્ય પ્રધાને કેન્દ્ર પ્રત્યે વિરોધ વ્યક્ત કરવા આ બેઠકમાં ભાગ નહોતો લીધો.

જીએસટી વળતરના મુદ્દા પર ભૂપેશ બઘેલે જૂન ૨૦૨૨ બાદ રાજ્યને ચૂકવવામાં આવેલા વળતરને પાંચ વર્ષ લંબાવવાની માગણી કરી હતી. નવી કર પદ્ધતિને કારણે રાજ્યની આવકમાં ઘટાડો થયો છે. પટનાયકે કહ્યું કે ‘અમે બધા સ્વીકારીએ છીએ કે રાજ્ય અને કેન્દ્ર સરકાર રાજકીય સંસ્થા છે. કેટલીક વખત કેન્દ્રીય યોજનાના અમલીકરણમાં વિવાદ થાય છે. નીતિ આયોગ આવા સંજોગોમાં લોકપાલની જેમ આ મુદ્દોને ઉકેલી શકે છે.’ 

national news narendra modi