02 March, 2025 12:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ન્યુઝઍક્સ વર્લ્ડ ચૅનલના લૉન્ચ પ્રસંગે યોજાયેલા NXT સંમેલનમાં કહ્યું હતું કે ‘વોકલ ફૉર લોકલ અભિયાન હવે રંગ લાવી રહ્યું છે, કારણ કે ભારતીય ઉત્પાદનો વૈશ્વિક બની રહ્યાં છે અને ભારત દુનિયાભરમાં એની હાજરી નોંધાવી રહ્યું છે. દશકો સુધી દુનિયા ભારતને બૅક ઑફિસ તરીકેના રૂપમાં જોતી હતી, પણ હવે દેશ દુનિયાની ફૅક્ટરીના રૂપમાં ઊભરી રહ્યો છે. ભારત હવે વર્ક-ફોર્સ નથી, પણ વર્લ્ડ-ફોર્સ છે.’
નરેન્દ્ર મોદીએ બીજું શું કહ્યું?
ભારત હવે સેમિકન્ડક્ટર અને વિમાનવાહક જહાજ બનાવે છે, આપણા મખાના અને બાજરો દુનિયામાં સુપરફૂડ તરીકે પ્રસ્થાપિત થયાં છે, આયુષનાં ઉત્પાદનો દુનિયા અપનાવી રહી છે, યોગને આખી દુનિયા અપનાવે છે.
ભારત એક મેજર ઑટોમોબાઇલ ઉત્પાદક બની ગયું છે. ભારત ડિફેન્સ પ્રોડક્ટની નિકાસ કરે છે.
ભારતને હવે જેવો છે એવો પેશ કરવાની જરૂર છે, આપણને હવે દેખાડાની જરૂર નથી, દેશની સાચી કહાની દુનિયા સુધી પહોંચવી જોઈએ.
લોકોએ અમારી સરકારને ત્રીજી વાર ચૂંટી કાઢી છે જે લોકોનો ભરોસો દર્શાવે છે. નવી ચૅનલ દેશના વૈશ્વિક સમાચાર વિદેશીઓ સુધી લઈ જશે.
૨૧મી સદીમાં દુનિયા ભારત તરફ જુએ છે અને આ દેશ લગાતાર સકારાત્મક ન્યુઝ પેદા કરે છે. ભારત ઘણી બાબતે વિશ્વનું નેતૃત્વ કરે છે. મહાકુંભના ભવ્ય આયોજને ભારતના કૌશલને દુનિયા સમક્ષ ઉજાગર કર્યું છે.
દુનિયા ભારતને જાણવા માગે છે, હવે ખોટા ન્યુઝ તૈયાર કરવાની કોઈ જરૂર નથી.
નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદિરમાં દર્શન કરશે, ગીરના જંગલમાં લટાર પણ મારશે
જામનગર પહોંચેલા વડા પ્રધાનને જોવા લોકો રસ્તા પર ઊમટ્યા : આજે વનતારાની લેશે મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે ગુજરાતના જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરમાં વડા પ્રધાનની એક ઝલક મેળવવા માટે જામનગરવાસીઓ રોડ પર ઊમટ્યા હતા જેના કારણે રોડ-શો જેવો માહોલ સર્જાયો હતો. રસ્તા પર ઊમટેલા નાગરિકોનું હાથ હલાવીને નરેન્દ્ર મોદીએ અભિવાદન ઝીલ્યું હતું.
માદરે વતન ગુજરાત આવેલા નરેન્દ્ર મોદી આજે રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ પહોંચશે. સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ મહાદેવની પૂજાઅર્ચના કરીને દર્શન કરશે. તેઓ સાસણ ગીરની પણ મુલાકાત લેશે. અહીં મળનારી બેઠકમાં તેઓ ભાગ લેશે. ગીરના જંગલમાં તેઓ સિંહદર્શન માટે જશે.