19 March, 2025 03:15 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે લોકસભામાં બોલતા નરેન્દ્ર મોદી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલા મહાકુંભ વિશે પોતાના વિચાર લોકસભામાં રજૂ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મહાકુંભની સરખામણી ૧૮૫૭ના સંગ્રામ, ભગત સિંહની શહાદત અને દાંડીમાર્ચ સાથે કરી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘મહાકુંભ ભારતીય ઇતિહાસનો માઇલસ્ટોન સાબિત થયો છે. સમગ્ર દુનિયાએ મહાકુંભમાં દેશના વિરાટ રૂપને જોયું છે અને આ ‘સબકા પ્રયાસ’નું સાક્ષાત્ સ્વરૂપ હતું. પ્રયાગરાજના મહાકુંભમાંથી અનેક અમૃત નીકળ્યાં છે અને એમાંથી એકતાનું અમૃત નીકળ્યું છે. આ આયોજનમાં દેશના દરેક ક્ષેત્ર અને દરેક ખૂણામાંથી લોકો આવ્યા અને એક થયા, લોકો અહમમાંથી વયમના ભાવથી એક થયા હતા.’
બીજું શું કહ્યું નરેન્દ્ર મોદીએ?
જનતા જનાર્દન પ્રેરિત
મહાકુંભ ભારતના ભવ્ય વારસાથી જોડાઈ જવાની પૂંજી છે; એ જનતા જનાર્દનનો, જનતા જનાર્દનથી પ્રેરિત અને જનતા જનાર્દનના આયોજનનું પરિણામ છે. એમાં અમે રાષ્ટ્રીય ચેતનાનાં વિરાટ સ્વરૂપનાં દર્શન કર્યાં. આ આયોજન માટે હું તમામ દેશવાસી, ઉત્તર પ્રદેશની જનતા, ખાસ કરીને પ્રયાગરાજના લોકો અને તમામ કર્મયોગીઓને નમન કરું છું અને ધન્યવાદ આપું છું.
સામૂહિક ચેતનાનો કુંભ
ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે એ મહેસૂસ કર્યું હતું કે દેશ આવનારાં ૧૦૦૦ વર્ષ માટે તૈયાર થઈ રહ્યો છે. એના એક વર્ષ બાદ આવેલા મહાકુંભના આ આયોજનથી આપણે સૌએ આ વિચારને વધુ દૃઢ કર્યો છે. દેશની આ સામૂહિક ચેતના દેશના સામર્થ્યને દર્શાવે છે. કોઈ પણ રાષ્ટ્રના જીવનમાં, માનવજીવનના ઇતિહાસમાં પણ આવા અનેક મોડ આવે છે જે સદીઓ સુધી આવનારી પેઢીઓ માટે ઉદાહરણ બની જાય છે. આપણા દેશના ઇતિહાસમાં પણ આવી ક્ષણો આવી જેણે દેશને નવી દિશા આપી અને દેશને જાગૃત કરી દીધો.
મહાકુંભ મહત્ત્વનો પડાવ
આપણી આઝાદીના આંદોલનમાં અનેક પડાવ આવ્યા. ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ, વીર ભગત સિંહની શહાદત, નેતાજી સુભાષચંદ્ર બોઝનું ચલો દિલ્લી અને ગાંધીજીની દાંડીયાત્રા... આવા પડાવ બાદ ભારતને આઝાદી મળી હતી. પ્રયાગરાજનો મહાકુંભ પણ આવો જ એક પડાવ છે.
નકારાત્મક વાતોનો આપ્યો જવાબ
મહાકુંભના આયોજન વિશે ઘણા લોકોના મનમાં શંકા-કુશંકા હતી પણ આટલા મોટા પાયે આયોજન આપણે કરી શકીએ છીએ એ સામર્થ્ય આપણામાં છે. આ ભારતીય ઇતિહાસમાં માઇલસ્ટોન સાબિત થશે. આવનારી પેઢીઓ માટે ઉદાહરણરૂપ બનશે. મને આમાં દેશમાં જાગૃતિ ફેલાતી હોય એનાં દર્શન થઈ રહ્યાં છે.
નાના-મોટાનો ભેદભાવ નહીં
મહાકુંભ વિશે સવાલ ઉઠાવનારાઓ પર મહાકુંભની સફળતામાં જ જવાબ છુપાયેલો છે. એમાં નાના-મોટાનો કોઈ ભેદ નહોતો. દુનિયામાં વિખવાદ અને છૂટા પડવાના દોરમાં આપણી એકતામાં આ મહત્ત્વનું બિંદુ છે, યુવાનો આપણી પરંપરા અને સંસ્કૃતિને અપનાવી રહ્યા છે.
સ્વામી વિવેકાનંદની વાત
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એક સદી પહેલાં જે ભાષણ આપ્યું એ ભારતની આધ્યાત્મિક ચેતનાનો જયઘોષ હતો. તેમણે ભારતીયોનું આત્મસન્માન જગાવી દીધું હતું. ભક્તિ આંદોલનના કાલખંડમાં દેશના ખૂણે-ખૂણે આધ્યાત્મિક ચેતના ઊભરી હતી.
સુવિધાની ચિંતા ન કરી
દોઢ મહિના સુધી મહાકુંભનો ઉત્સાહ દેખાયો હતો. લોકો સુવિધા અને ચિંતાથી ઉપર ઊઠીને એમાં સામેલ થયા, મેં હમણાં મૉરિશ્યસનો પ્રવાસ કર્યો, ત્યાં ગંગા તળાવમાં ત્રિવેણી સંગમનું જળ અર્પણ કર્યું ત્યારે માહોલ જોવા જેવો હતો. આ દર્શાવે છે કે આપણી સંસ્કૃતિને અપનાવવાની ભાવના કેટલી મજબૂત દેખાઈ રહી છે.
વિપક્ષોએ કર્યો વૉકઆઉટ
નરેન્દ્ર મોદીએ લોકસભામાં મહાકુંભ વિશે પ્રવચન કર્યું ત્યાર બાદ વિપક્ષના સભ્યોએ વૉકઆઉટ કર્યો હતો. આ મુદ્દે ફૈઝાબાદના સંસદસભ્ય અવધેશ પ્રસાદે આરોપ લગાવતાં કહ્યું હતું કે વડા પ્રધાને મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોનો ઉલ્લેખ ન કર્યો એટલે વિપક્ષના સંસદસભ્યોએ વૉકઆઉટ કર્યો હતો. વિપક્ષના સભ્યોએ સદનમાં હંગામો કરતાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સદન નિયમોથી ચાલે છે.
૪૫ દિવસમાં ૬૬ કરોડ લોકોએ કર્યું સ્નાન
પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી વચ્ચે યોજાયેલા મહાકુંભમાં ૬૬ કરોડથી વધારે લોકોએ સ્નાન કર્યું હતું. મહાકુંભના આયોજન માટે ઉત્તર પ્રદેશ સરકારે ૭૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પણ એના કારણે રાજ્યમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું.