પીએમ નરેન્દ્ર મોદી પાસે અત્યારે કોઈ સ્થાવર મિલકત નથી

10 August, 2022 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીએમઓની વેબસાઇટ પર નવા ડેક્લેરેશન અનુસાર તેમની જંગમ મિલકતમાં ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૨૬.૧૩ લાખ રૂપિયાનો વધારો થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જંગમ મિલકતમાં ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૨૬.૧૩ લાખ રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં એક રેસિડેન્શિયલ પ્લૉટમાં તેમનો હિસ્સો દાનમાં આપ્યા બાદ તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી. પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)ની વેબસાઇટ પર તાજેતરમાં એક ડેક્લેરેશનમાં આ જાણકારી આપવામાં આવી હતી.
૨૦૨૨ની ૩૧ માર્ચ સુધીના સમયગાળાની વિગતો જાહેર કરવામાં આવી છે. એ મુજબ વડા પ્રધાનની જંગમ મિલકત માર્ચ ૨૦૨૧ના અંતે ૧,૯૭,૬૮,૮૮૫ રૂપિયા થઈ હતી, જે વધીને ૨,૨૩,૮૨,૫૦૪ રૂપિયા થઈ છે, જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ, ઇન્શ્યૉરન્સ પૉલિસિસ, નૅશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, બૅન્ક-બૅલૅન્સ, જ્વેલરી અને રોકડ સામેલ છે. 
વડા પ્રધાને સ્થાવર મિલકતની કોલમમાં ‘નિલ’ લખ્યું છે. નોંધપાત્ર છે કે વડા પ્રધાનનો સર્વે નંબર ૪૦૧/1, સેક્ટર-૧, ગાંધીનગરમાં એક રેસિડેન્શિયલ પ્લૉટમાં એક ચતુર્થાંશ હિસ્સો હતો. આ પ્લૉટ ૧૪,૧૨૫.૮૦ ચોરસ ફુટનો છે. મોદીએ આ પ્રૉપર્ટી ૨૦૦૨ની ૨૫ ઑક્ટોબરે અન્ય ત્રણ જણની સાથે મળીને ખરીદી હતી કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ૨૦ વર્ષ પહેલાં એ પ્લૉટની કિંમત ૧,૩૦,૪૮૮ રૂપિયા હતી. જોકે વડા પ્રધાને એ હિસ્સો દાનમાં આપી દીધો છે.

national news narendra modi