નવી શિક્ષણ નીતિ દરેક જાતના દબાણથી મુક્ત હશે: મોદી

30 July, 2021 09:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય શિક્ષાનીતિને એક વર્ષ પૂર્ણ થતાં વડા પ્રધાને સંબોધન કર્યું

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય શિક્ષા નીતિ (એનઈપી) ૨૦૨૦ની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થયાના પ્રસંગ પર ગઈ કાલે વીડિયો કોન્ફોરન્સિંગના માધ્યમથી દેશ ભરમાં નીતિ નિર્માતાઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા. બીજી તરફ પીએમ મોદીએ ઍકૅડમિક બૅન્ક ઑફ ક્રેડિટ સહિત ઘણી શૈક્ષિક પહેલ પણ શરૂ કરી હતી.

સંબોધનમાં વડા પ્રધાને જણાવ્યુ હતું કે નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનું ભાગ્ય બદલવાનુ સામર્થ્ય છે. આ નવી શિક્ષણ નીતિથી રેવલ્યુશનલ ચેન્જ આવશે. જો નિર્ણય ખોટો હશે તો શુ થશે એ ચિંતા નહીં રહે. સાથોસાથ ‘ઈ સફલ’ દ્વારા ‘ઈ વ્યવસ્થા’ વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્તિ અપાવશે.

મોદીએ કહ્યું કે નવી-નવી સ્કિલ અને ઇનોવેશનનો સમય આવશે. આજે નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનું ભાગ્ય બદલવાનું સામર્થ્ય છે. સારું ભણવા માટે વિદેશ જવું પડે પણ સારું ભણવા માટે વિદેશથી લોકો ભારત આવ્યા એ હવે જોવા મળી રહ્યું છે. આ વિગતો ઉત્સાહ વધારનારી છે. માતૃભાષાને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું છે. પ્લે સ્કૂલનો સંકલ્પ હવે દૂર-દૂર ગામડે ગામડે જશે અને યુનિવર્સલ કાર્યક્રમ તરીકે અમલી બનશે. રાજ્યો એમની જરૂરિયાત મુજબ આ કાર્યક્રમને અમલી બનાવશે.

વડા પ્રધાને કહ્યું કે સ્થાનિક ભાષાને પણ પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ છે. એન્જિનિયરિંગના અભ્યાસમાં તામિલ, મરાઠી, બાંગલા સહિત કુલ પાંચ ભાષામાં શરૂઆત કરાશે. આ ઉપરાંત વધુ ૧૧ ભાષાઓમાં એન્જિનિયરિંગના કોર્સનું ભાષાંતર થઈ રહ્યું છે. એનો સૌથી વધુ લાભ ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને થશે. દલિત અને આદિવાસીઓને થશે. આવા પરિવારમાંથી આવનારાઓને ભાષાની સમસ્યા નડતી હતી. પરંતુ માતૃભાષામાં શિક્ષણ મળવાથી ગરીબ વિદ્યાર્થીઓ પણ આત્મવિશ્વાસથી આગળ વધશે.

national news narendra modi