પીએમ ડ્રોન્સ દ્વારા યોજનાઓનું સરપ્રાઇઝ મૉનિટર કરે છે

28 May, 2022 12:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત ડ્રોન મહોત્સવમાં મોદીએ ગવર્નન્સમાં ડ્રોન્સના નવા ઉપયોગની જાણકારી આપી 

નવી દિલ્હીમાં ગઈ કાલે ભારત ડ્રોન મહોત્સવ દરમ્યાન ડ્રોનને સંચાલિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

દુનિયાભરમાં આજે જુદાં-જુદાં સેક્ટર્સમાં ડ્રોન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનો અલગ જ રીતે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે ગઈ કાલે જણાવ્યું હતું કે સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન માટે પણ આ ટેક્નૉલૉજી ઉપયોગી છે. ડ્રોન્સ વડે તેઓ યોજનાઓનું સરપ્રાઇઝ મૉનિટર કરે છે. 
દિલ્હીમાં આયોજિત બે દિવસના ભારત ડ્રોન મહોત્સવમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘ડ્રોન્સ સ્વરૂપે આપણી પાસે એવું સ્માર્ટ ટૂલ આવી ગયું છે કે જે ખૂબ જ ટૂંક સમયમાં સામાન્ય ભારતીયના જીવનનો એ એક ભાગ બનશે. આપણાં શહેર હોય કે ખૂબ જ અંતરિયાળ ગામ, ખેતરનાં મેદાન કે ખેલનાં મેદાન, ડિફેન્સને સંબંધિત કાર્ય હોય કે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ, દરેક જગ્યાએ ડ્રોન્સનો ઉપયોગ વધવાનો છે. એ જ રીતે ટુરિઝમ સેક્ટર, મીડિયા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવા સેક્ટર્સમાં ક્વૉલિટી અને કન્ટેન્ટ બન્ને વધારવામાં મદદ કરશે.’
તેમણે વધુ કહ્યું હતું કે ‘હું સરકારમાં દર મહિને એક પ્રગતિ કાર્યક્રમ ચલાવું છું. તમામ રાજ્યોના મુખ્ય સચિવ ટીવી સ્ક્રીન પર હોય છે. હું તેમને આગ્રહ કરું છું કે જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોય ત્યાં ડ્રોનથી મને લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપો. એ જોઈને મને નિર્ણયો લેવામાં સરળતા રહે છે. જ્યારે કેદારનાથના પુનર્નિમાણનું કામ શરૂ થયું ત્યારે દર વખતે તો મારા માટે કેદારનાથ જવું મુશ્કેલ હતું. એટલે હું મારી ઑફિસમાં બેસીને ડ્રોન્સ દ્વારા કેદારનાથમાં ચાલી રહેલી કામગીરીને રેગ્યુલર મૉનિટર કરતો હતો. એટલે આજે સરકારી કામોની ક્વૉલિટીને પણ જોવાની હોય તો મારા માટે જરૂરી નથી કે હું પહેલાંથી કહી દઉં કે મારે ત્યાં ઇન્સ્પેક્શન માટે જવાનું છે. એ પછી તો ત્યાં બધું વ્યવસ્થિત થઈ જ જાય. હું ડ્રોન મોકલું અને એ જ જાણકારી મેળવીને આવી જાય છે અને તેમને ખબર પણ પડતી નથી કે મારી પાસે જાણકારી આવી ગઈ છે.’  

national news new delhi