Coronavirus Outbreak:PM મોદીએ કર્યું આહ્વાન, રોજ પીઓ ગરમ પાણી

02 April, 2020 07:53 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak:PM મોદીએ કર્યું આહ્વાન, રોજ પીઓ ગરમ પાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોરોના વાયરસના જોખમને જોતાં શરીરની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય તે બાબતે આયુષ મંત્રાલયની સલાહ પર અમલ કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે મંત્રાલયના સૂચનોમાં ગરમ પાણી પીવા જેવા ઘણાં ઉપાયો છે જે તે વર્ષોથી કરી રહ્યા છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, "આયુષ મંત્રાલયે શારીરિક રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તાજેતરમાં જ સરળતાથી કરી શકાય તેવા સૂચનો જાહેર કર્યા. જેમાંથી કેટલાક એવા છે જે હું વર્ષોથી કરી રહ્યો છું. દાખલા તરીકે હું ગરમ પાણી પીઉં છું." તેમણે કહ્યું, "હું તમને આયુષના સૂચનો પર ધ્યાન આપો. તમે આને પોતાના જીવનનો ભાગ બનાવો અને બીજા લોકોને પણ સલાહ આપો આવો, સ્વસ્થતા પર ધ્યાન આપીએ."

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રસારને ધ્યાનમાં રાખીને આયુષ મંત્રાલયે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સાવચેતી રાખવા અને કેટલાક સ્વાસ્થ્ય ઉપાયોની સાથે પોતાનું ધ્યાન રાખવા માટે કેટલીક ગાઇડલાઇન્સ શૅર કરી છે. આ આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો પર આધારિત છે. તેમાં આખો દિવસ ગરમ પાણી પીવું, દરરોજ અડધો કલાક યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરવું અને ખોરાક રાંધતી વખતે હળદર, જીરું, ધાણાં અને લસણનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ સિવાય સવારે 10 ગ્રામ ચ્યવનપ્રાશ (ડાયાબિટીઝના દરદીઓ માટે શુગર ફ્રી)નું સેવન કરવું, આયુર્વેદિ ચા કે કાડો (તુલસી, દાલચીની, કાળા મરી, સૂંઠ અને કિશમિશથી બનેલો) પીવો અને દિવસમાં એક-બે વાર 150 મિલી. હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ સવાર-સાંજ નાકમાં તલ અથવા નાળિયેરનું તેલ અથવા ઘી લગાડવાની સલાહ આપવામાં આવી છે.

સૂકી ઉધરસ હોય ત્યારે દિવસમાં એકવાર ફૂદીનાના તાજાં પાન કે અજમું નાખીને બાફ લેવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય પ્રાકૃતિક સાકર અથવા મધ સાથે લવિંગનું ચુર્ણ પણ લઈ શકાય છે. ઉપરોક્ત ઉપાયો ફક્ત સામાન્ય સરદી-ઉધરસમાં જ કારગર હોય છે, જો કે લક્ષણ જળવાઇ રહે તો ડૉક્ટરની સલાહ લેવાની ભલામણ કરવામાં આવી છે.

narendra modi national news coronavirus covid19 health tips