વડાપ્રધાન મોદીએ દુશ્મન દેશોને આપી આ ચેતવણી...

14 November, 2020 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદીએ દુશ્મન દેશોને આપી આ ચેતવણી...

તસવીર સૌજન્યઃ એએનઆઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. વડાપ્રધાન મોદી સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત અને સેનાપ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુશ્મન દેશોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ભારત ‘આકરો’ જવાબ આપવામાં સક્ષમ છે. આજે ભારતની રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત સમજવા અને સમજાવવાની નીતિમાં વિશ્વાસ રાખે છે પરંતુ જો અમારા પારખા લેવાના પ્રયાસ કર્યા તો જવાબ પણ એટલો જ પ્રચંડ મળી શકે છે.

જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, સરહદ પર રહીને તમે જે પ્રકારનો ત્યાગ કરો છો, તપસ્યા કરો છે, તે દેશમાં એક વિશ્વાસ પેદા કરે છે. આ વિશ્વાસ જ છે જે મળીને મોટામાં મોટો પડકારનો સામનો કરી શકાય છે.

તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે, હું આજે તમારી વચ્ચે પ્રત્યેક ભારતીયની શુભકામના લઈને આવ્યો છું. તમારા માટે પ્રેમ લઈને આવ્યો છું. આશીષ લઈને આવ્યો છું. હું આજે તે વીરોની માતાઓ અને બહેનો તથા બાળકોને પણ દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છુ. તેમના ત્યાગને નમન કરું છું. જેમના પોતાના સરહદે છે. તેમણે કહ્યું કે તમારા શૌર્યને નમન કરતા આજે ભારતના 130 કરોડ દેશવાસીઓ તમારી સાથે મજબૂતાઈથી પડખે ઊભા છે. આજે દરેક ભારતીયને આપણા સૈનિકોની તાકાત અને શૌર્ય પર ગર્વ છે. તેમને તમારી અજેયતા પર, તમારી અપરાજયતા પર ગર્વ છે.  દુનિયાનો ઈતિહાસ જણાવે છે કે માત્ર એ જ રાષ્ટ્રો સુરક્ષિત રહ્યા છે અને આગળ વધ્યા છે જેમની અંદર આક્રાંતાઓનો મુકાબલો કરવાની ક્ષમતા હતી. ભલે આંતરરાષ્ટ્રીય સહયોગ ગમે તેટલો આગળ કેમ ન વધ્યો હોય, સમીકરણો ગમે તેટલા બદલાયા હોય, પરંતુ આપણે ક્યારેય ભૂલી ન શકીએ કે સતર્કતા જ સુરક્ષાની રાહ છે. સજાગતા જ સુખ ચેનનો સંબલ છે. સામર્થ્ય જ વિજયનો વિશ્વાસ છે. સક્ષમતા જ શાંતિનો પુરસ્કાર છે. 

રક્ષા ક્ષેત્રમાં લેવાયેલા નવા નિર્ણયો બાબતે તેમણે કહ્યું કે, હાલમાં જ આપણી સેનાઓએ નિર્ણય લીધો છે કે તેઓ 100થી વધુ હથિયારો અને સાધન સામગ્રીને વિદેશથી નહીં મંગાવે. હું સેનાઓના આ નિર્ણયને બિરદાવું છું. સેનાના આ નિર્ણયથી દેશવાસીઓને પણ લોકલ માટે વોકલ થવાની પ્રેરણા મળે છે. તેમણે દેશના યુવાઓને કહ્યું કે હું આ જે દેશના યુવાઓને દેશની સેનાઓ માટે નિર્માણ કરવાનું આહ્વાન કરું છું. હાલના દિવસોમાં અનેક સ્ટાર્ટ અપ્સ સેનાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે આગળ આવ્યા છે. ડિફેન્સ સેક્ટરમાં યુવાઓ માટે નવા સ્ટાર્ટ અપ્સ દેશને આત્મનિર્ભરતા મામલે ઝડપથી આગળ લાવશે.

narendra modi national news jaisalmer