નરેન્દ્ર મોદીની અપીલ- ખાંડ ઓછી ખાઓ

22 March, 2026 07:09 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

એક ઇન્ફ્લુએન્સરની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરીને વડા પ્રધાને આપ્યો આ સંદેશ

નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી સ્ટોરીનો સ્ક્રીન શૉટ.

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવરાજ દુઆએ મોદીના પાગલ ચાહકો પર એક હલકીફૂલકી રીલ બનાવીને કહ્યું હતું કે ‘મોદીજી, નેક્સ્ટ ‘મન કી બાત’માં ખાંડ ઓછી ખાવી જોઈએ એમ કહેજો તો કદાચ મારા પપ્પા માનશે.’

સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીના ચાહકો વિશે અનેક રીલ્સ ફરતી રહેતી હોય છે. જોકે ગઈ કાલે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવરાજ દુઆની એક રીલ શૅર કરીને લખ્યું હતું, ‘યુવરાજની ‌વિનંતી પર, હું તેના પપ્પા (અને બાકી સહુ લોકોને પણ) ખાંડનું સેવન ઓછું કરવાની રિક્વેસ્ટ કરીશ... હેલ્ધી રહો, ખુશ રહો.’

યુવરાજ દુઆએ રીલમાં હળવા અંદાજમાં મોદીના પાગલ ચાહકો વિશે વાત કરી હતી. તેણે પોતાના પપ્પા મોદીના પગલુ ફૅન છે એવું કહ્યું હતું અને કહ્યું હતું કે ‘એક જનરેશન છે જેના પર મોદીની વાતોની બહુ અસર થાય છે. મિસ્ટર મોદી, મારી એક નાની રિક્વેસ્ટ છે, કેમ કે તમારી વાત મારા પપ્પા બહુ તરત માની લે છે. જો તમે નેક્સ્ટ ‘મન કી બાત’માં ખાંડ ઓછી ખાવા વિશે કંઈક કહેશો તો મારા પપ્પાનું શુગર ખાવાનું ઓછું થઈ શકે છે, કેમ કે અમે તો બહુ કહ્યું પણ તેમની જલેબીઓ ખાવાનું ઘટ્યું નથી.’

આ મુદ્દે નરેન્દ્ર મોદીએ પણ મજાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શૅર કરીને લોકોને હેલ્ધી રહેવા માટે શુગર ઓછી ખાવાનો સંદેશ આપ્યો હતો. તેમણે આ હળવી વાતને ટૅગ કરીને સ્વાસ્થ્ય માટે ગંભીર સંદેશો સહુને આપ્યો હતો. તેમણે લખ્યું હતું, ‘વધુ શુગર અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપે છે. એનાથી મેદસ્વિતાનો ખતરો પણ રહે છે. સાથે યોગને તમારા જીવનનો હિસ્સો જરૂર બનાવજો.’

national news INDIA narendra modi indian government healthy living health tips mann ki baat