13 January, 2025 09:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નૅશનલ યુથ ડે નિમિત્તે નવી દિલ્હીના ભારત મંડપમમાં યુવાનોને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે આજે આખો દેશ સ્વામી વિવેકાનંદને યાદ કરી રહ્યો છે, નમન કરી રહ્યો છે. સ્વામી વિવેકાનંદને દેશના યુવાનો પર ભરોસો હતો. સ્વામીજી કહેતા હતા કે મને યુવા પેઢી પર પૂરો ભરોસો છે. તેઓ કહેતા હતા કે મારા કાર્યકરો યુવા પેઢીમાંથી આવશે. તેઓ કહેતા હતા કે યુવાનોમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવાની તાકાત છે. સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનો માટે જે વિચાર્યું હતું અને જે કહ્યું હતું એના પર મને પૂર્ણ ભરોસો છે.
મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલૉગ ૨૦૨૫માં યુવાનો સાથે વાતચીત કરી હતી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને દેશમાં નૅશનલ યુથ-ડે તરીકે મનાવવામાં આવે છે એ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જોડાવા માટે ૩૦ લાખથી વધારે લોકોએ અરજી કરી હતી અને એમાંથી ૩૦૦૦ યુવાનોને મોદી સાથે સીધો સંવાદ સાધવાનો મોકો મળ્યો હતો.
મોદીએ બીજું શું કહ્યું?
ભારતે ઘણાં સેક્ટરોમાં એનાં લક્ષ્યો નક્કી કરેલા સમય કરતાં પહેલાં હાંસલ કર્યાં છે.
મોટાં લક્ષ્યો રાખવાં અને એને હાંસલ કરવાં એ કોઈ સરકારી મશીનરીનું કામ નથી. મોટાં લક્ષ્યો સાધવા માટે રાષ્ટ્રના દરેક નાગરિકે યોગદાન આપવું પડે છે.
ભારતના યુવાનોનો વિચારવાનો વિસ્તાર આસમાનથી પણ ઊંચો છે.
વિકસિત ભારતમાં આપણે કેવું ભારત જોવા માગીએ છીએ? આ ભારત વિકસિત એટલે કે આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિકરૂપે સશક્ત હશે.
૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની કલ્પના સાકાર કરવા માટે આપણી સામે પચીસ વર્ષનો સ્વર્ણિમ અવસર છે. આ અમૃતકાળ છે અને હું પૂર્ણ રીતે આત્મવિશ્વાસથી ભરેલો છું. ભારતની યુવાશક્તિ વિકસિત ભારતનું સપનું જરૂર સાકાર કરશે.
દેશના યુવાનો સાથે મારો પરમ મિત્રવાળો સંબંધ છે.
કોઈ પણ દેશની પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
એક લક્ષ્ય વિના જીવન અકલ્પનીય છે. લક્ષ્ય આપણને ઉદ્દેશ અને પ્રેરણા આપે છે.