મોદીએ સેનાને સોંપી અર્જુન ટૅન્ક: પુલવામાના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

15 February, 2021 01:59 PM IST  |  Chennai | PTI

મોદીએ સેનાને સોંપી અર્જુન ટૅન્ક: પુલવામાના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

ચેન્નઈમાં આયોજિત સમારોહમાં અર્જુન ટૅન્કની પ્રતિકૃતિ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેને આપતા વડા પ્રધાન મોદી. તસવીર : પી.ટી.આઇ.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બે વર્ષ પહેલાં આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સલામતી દળો માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. ગઈ કાલે ચેન્નઈમાં અર્જુન ટૅન્કો સૈન્યને અર્પણ કરવાની ઔપચારિક વિધિ નિમિત્તે પુલવામા અટૅકની બીજી વર્ષી નિમિત્તે એ હુમલામાં વીરગતિ પામેલા જવાનોને ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.

 ૨૦૧૯ની ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ૪૦ જવાનો વીરગતિ પામ્યા હતા. ૭૦ બસમાં સીઆરપીએફના ૨૫૦૦ જવાનોને જમ્મુથી શ્રીનગર લઈ જવાતા હતા ત્યારે વચ્ચેની બસને સુસાઇડ બૉમ્બરે સ્ફોટક પદાર્થો ભરેલા વાહનની ટક્કર મારી હતી.

મેટ્રો રેલવેના ઉદ્દઘાટન અને કેટલીક યોજનાઓના શિલારોપણ વિધિ અને અર્જુન ટૅન્કો સૈન્યને અર્પણ કર્યા પછીના પ્રવચનમાં વડા પ્રધાને રાષ્ટ્રના આત્મનિર્ભરતા અભિયાન માટે તમિળ કવિ સુબ્રમણ્યમ ભારતીની કાવ્ય પંક્તિઓને પ્રેરણારૂપ ગણાવી હતી. વડા પ્રધાને પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘દેશના બે ડિફેન્સ કોરિડોર્સમાંથી એક તામિલનાડુમાં છે. તેમાં ૮૧૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ મળ્યું છે. આજે હું સરહદી મોરચે વધુ એક યોદ્ધા રૂપે અર્જુન ટૅન્કો રાષ્ટ્રને અર્પણ કરતાં ગર્વ અનુભવું છું. મને ઘરઆંગણે ડિઝાઇન અને મૅન્યુફૅક્ચર કરવામાં આવેલી અર્જુન મેઇન બેટલ ટૅન્ક (એમકે-૧એ) સૈન્યને સુપરત કરતાં ગૌરવ થાય છે.’

narendra modi chennai indian army