01 May, 2025 12:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
પાકિસ્તાન વિરુદ્ધ ઍક્શનની સંભાવનાઓ વચ્ચે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બૅક-ટુ-બૅક મોટી બેઠકોની અધ્યક્ષતા કરી હતી જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, વિદેશપ્રધાન એસ. જયશંકર સહિતના મોટા મિનિસ્ટરો હાજર રહ્યા હતા. એક બાદ એક બેઠકોને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે કે સરકાર કંઈક મોટું કરવા જઈ રહી છે.
બુધવારે સૌપ્રથમ કૅબિનેટ સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી. ત્યાર બાદ રાજકીય બાબતો વિશેની કૅબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જાતિ આધારિત વસ્તીગણતરી સહિતના નિર્ણયો લેવાયા હતા. આ સિવાય આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિની બેઠક પણ યોજાઈ હતી. ગઈ કાલે કૅબિનેટ બેઠક પણ યોજાઈ હતી, જ્યારે મોડી રાત્રે ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નરેન્દ્ર મોદી સાથે તેમના આવાસ પર હાઈ લેવલ બેઠક કરી હતી. વડા પ્રધાન મોદી સાથે આ બેઠકમાં વિદેશપ્રધાન એસ. જયશંકર અને નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ પણ સામેલ થયા હતા.
બીજી તરફ સિંધુ જળ સંધિને લઈને ગૃહપ્રધાન અમિત શાહે જળ શક્તિ પ્રધાન સી. આર. પાટીલ સાથે રાત્રે ૮ વાગ્યે પોતાના આવાસ પર બેઠક કરી હતી. ભારતની કાર્યવાહીની તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં ડરનો માહોલ છે.