09 April, 2025 11:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરતા નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા (MUDRA) યોજનાનાં ૧૦ વર્ષ પૂર્ણ થવા પર એના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ અવસરે તેમણે કહ્યું હતું કે મેં સમગ્ર ભારતથી મુદ્રાલાભાર્થીઓને પોતાના આવાસ પર આમંત્રિત કર્યા છે. તેમણે જણાવ્યું કે કયા પ્રકારે આ યોજનાના લાખો લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે.
કેન્દ્ર સરકારે માઇક્રો એન્ટરપ્રાઇઝિસના વિકાસ અને રીફાઇનૅન્સિંગમાં મદદ કરવા માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ અૅન્ડ રીફાઇનૅન્સ એજન્સી (MUDRA) લિમિટેડ નામના નાણાકીય સંસ્થાનની રચના કરી છે.
આજે જ્યારે આપણે મુદ્રા યોજનાનાં ૧૦ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે હું તે તમામ લોકોને શુભેચ્છા આપું છું જેમના જીવનમાં આ યોજનાએ સકારાત્મક બદલાવ લાવ્યો છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ એક દાયકામાં મુદ્રા યોજનાએ અનેક સપનાંઓને સાકાર કર્યાં છે અને તે લોકોને સશક્ત બનાવ્યા છે જે પહેલાં નાણાકીય સહાયથી વંચિત હતા. આ એ વાતનું પ્રમાણ છે કે ભારતમાં લોકો માટે કંઈ પણ અસંભવ નથી. આ યોજના હેઠળ સરકારે અત્યાર સુધી લગભગ ૩૩ લાખ કરોડ રૂપિયાની લોન વગર ગૅરન્ટીએ આપી છે.
આજે ભારતના યુવાનો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. જો તેને થોડી પણ મદદ મળી જાય તો તેઓ મોટાં પરિણામ આપી શકે છે. હું ઇચ્છું છું કે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ ઉઠાવે. આ સરકાર એવી છે કે જે યોજનાનાં ૧૦ વર્ષ બાદ એનું મૂલ્યાંકન પણ કરી રહી છે અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને એ જાણી રહી છે કે યોજનામાં બીજો શું સુધારો કરી શકે છે.
SBIના એક રિપોર્ટ અનુસાર છેલ્લાં ૧૦ વર્ષમાં મુદ્રા યોજનાએ બાવન કરોડથી વધુ લોન-અકાઉન્ટ ખોલવામાં મદદ કરી છે જે ઉદ્યોગસાહસિકતા ગતિવિધિમાં ભારે ઉછાળો દર્શાવે છે
આ યોજનાથી મહિલાઓને સશક્ત બનાવવામાં મદદ મળી છે અને ૭૦ ટકાથી વધુ મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા લોન લેવાઈ છે, જેનાથી તેમની નાણાકીય સ્વતંત્રતા વધી છે અને લૈંગિક સમાનતામાં યોગદાન મળ્યું છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના શું છે?
દેશના નાના વેપારીઓ, દુકાનદારો અથવા નાના પાયાનો વ્યવસાય શરૂ કરનારા લોકો માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી હતી જેનાથી તેમને, તેમના કામને આગળ વધારવા માટે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. મુદ્રા લોન યોજના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત છે. એના દ્વારા નાના વેપારીઓ વીસ લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગૅરન્ટી વગર લઈ શકે છે. આ યોજના હેઠળ યંગ ઉદ્યોગસાહસિકોને પચાસ હજારથી પાંચ લાખ રૂપિયાની કિશોર લોન પણ મળે છે એને ચૂકવવા માટે પાંચ વર્ષ સુધીનો સમય આપવામાં આવ્યો છે.