30 May, 2025 06:51 AM IST | Gangtok | Gujarati Mid-day Online Correspondent
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાગડોગરા (પશ્ચિમ બંગાળ)થી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સિક્કિમ@50 કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ભાષણમાં કહ્યું, ‘પહલગામમાં આતંકવાદીઓએ જે કર્યું તે ફક્ત ભારત પર હુમલો (Pahalgam Terrorist Attack) નહોતો, પરંતુ તે માનવતા પર હુમલો હતો. ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા, આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો.’
સિક્કિમના લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘૫૦ વર્ષ પહેલાં, સિક્કિમે પોતાના માટે લોકશાહી ભવિષ્ય નક્કી કર્યું હતું. અહીંના લોકો માનતા હતા કે જ્યારે દરેકનો અવાજ સાંભળવામાં આવશે અને દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે, ત્યારે દરેકને પ્રગતિની સમાન તક મળશે.’ તેમણે આગળ કહ્યું, ‘હું કહી શકું છું કે સિક્કિમના બધા પરિવારોનો વિશ્વાસ મજબૂત થયો છે. છેલ્લા ૫૦ વર્ષોમાં, સિક્કિમમાંથી એવા તારાઓ ઉભરી આવ્યા છે જેમણે ભારતના આકાશને રોશન કર્યું છે. આજે છેલ્લા ૫૦ વર્ષની સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે. તમે આટલો સુંદર કાર્યક્રમ યોજ્યો છે. મુખ્યમંત્રીએ પોતે આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ખૂબ જ ઉર્જાથી કામ કર્યું. હું તમને બધાને સિક્કિમ રાજ્યની ૫૦મી વર્ષગાંઠ પર અભિનંદન આપું છું.’
પીએમ મોદીએ કહ્યું, ‘અહીં પ્રકૃતિ છે, આધ્યાત્મિકતા છે, શાંતિની છાયામાં વસેલા તળાવો, ધોધ અને બૌદ્ધ મઠો છે. અહીં કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. ફક્ત ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ સિક્કિમના વારસા પર ગર્વ અનુભવે છે. આજે જ્યારે અહીં એક નવો સ્કાયવોક બનાવવામાં આવી રહ્યો છે, ગોલ્ડન જ્યુબિલી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, અટલજીની પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે આ બધા પ્રોજેક્ટ સિક્કિમની નવી ઉડાનના પ્રતીકો છે.’
કાર્યક્રમમાં ન પહોંચી સકતા પીએમ મોદીએ ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, ‘આજે એક ખાસ દિવસ છે - સિક્કિમની લોકશાહી યાત્રાની સુવર્ણ જયંતિ ઉજવણી. હું આ ઉજવણીમાં ભાગ લેવા માંગતો હતો. આજે વહેલી સવારે, હું દિલ્હીથી નીકળી ગયો અને બાગડોગરા પહોંચી શક્યો, પરંતુ હવામાનને કારણે, હું વધુ મુસાફરી કરી શક્યો નહીં. તેથી જ મને તમને રૂબરૂ મળવાની તક મળી નહીં.’
ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આતંકવાદી ઠેકાણાઓના વિનાશથી હતાશ થઈને, પાકિસ્તાને આપણા નાગરિકો અને સૈનિકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમાં પણ પાકિસ્તાનનો સાચો રંગ ખુલ્લો પડી ગયો અને તેમના ઘણા એરબેઝનો નાશ કરીને અમે ભારતને બતાવ્યું કે ભારત શું કરી શકે છે, ક્યારે, કેટલી ઝડપથી અને કેટલી સચોટ રીતે કરી શકે છે. પરંતુ આજે આખી દુનિયા જોઈ રહી છે કે ભારત પહેલા કરતાં વધુ એકજૂથ છે. અમે એક થઈને આતંકવાદીઓ અને તેમના આશ્રયદાતાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો. અમે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો.’
આજે સિક્કિમને રાજ્ય તરીકે ૫૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્મારક સિક્કો, સ્મૃતિચિહ્ન અને સ્ટેમ્પનું વિમોચન કર્યું. તેમણે નામચી (Namchi)માં ૭૫૦ કરોડથી વધુની ૫૦૦ બેડની જિલ્લા હોસ્પિટલ, ગ્યાલશિંગ (Gyalshing) જિલ્લાના પેલિંગ (Pelling)માં સાંગાચોલિંગ (Sangachoeling) ખાતે પેસેન્જર રોપવે અને ગંગટોકમાં અટલ અમૃત ઉદ્યાન (Atal Amrit Udyan)માં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજી (Atal Bihari Vajpayee)ની પ્રતિમા સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.