PM-CARES ફંડમાં જમા છે અધધધ ૮૪૫૨ કરોડ રૂપિયા

20 August, 2026 11:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૨૪-૨૫માં ચિલ્ડ્રન્સ સ્કીમ પર માત્ર ૮૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો : ૨૦૨૪-૨૫માં ૬૬૪૧ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવી, ૪૭૫ કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું

ફાઇલ તસવીર

બે વર્ષની રાહ જોયા પછી ભારત સરકારે આખરે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન અસિસ્ટન્સ અૅન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચુએશન્સ (PM-CARES) ફંડનો ઑડિટ-રિપોર્ટ જાહેર કર્યો છે. આ ફંડમાં ૨૦૨૫ની ૩૧ માર્ચ સુધીમાં ૮૪૫૨.૦૬ કરોડ રૂપિયાનું ભંડોળ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ રકમમાંથી માત્ર ૦.૦૧ ટકા એટલે કે ૮૭ લાખ રૂપિયા ચિલ્ડ્રન્સ સ્કીમ માટે વાપરવામાં આવ્યા હતા.

૨૦૨૪-૨૫માં ૬૬૪૧ કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ રકમ પર ૪૭૫ કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું હતું.

૮૪૫૨ કરોડ રૂપિયાની રકમ ધરાવતા PM કૅર્સ ફંડનાં નાણાંનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે, આ ભંડોળની દેખરેખ કોણ રાખે છે અને એના વિદેશી દાનને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે એ વિશે નવા પ્રશ્નો ઊભા થયા છે. આ ચર્ચાએ ફૉરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન ઍક્ટ (FCRA) સુધારા બિલ ૨૦૨૬ના મુદ્દે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં સરકાર અને વિપક્ષે પ્રસ્તાવિત ફેરફારો પર અલગ-અલગ વલણ અપનાવ્યું છે. આ મુદ્દે નૅશનલ કૅમ્પેન ફોર પીપલ્સ રાઇટ ટુ ઇન્ફર્મેશનનાં કો-કન્વીનર અંજલિ ભારદ્વાજે સવાલ કર્યો હતો કે આ ફંડમાં આટલા કરોડ રૂપિયા શા માટે એમનેમ એમ મૂકી રાખવામાં આવ્યા છે? સરકારે આ ફંડના મુદ્દે કરવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા નથી.

કોવિડ-19 વખતે ફંડની શરૂઆત

PM-CARES ફંડની સ્થાપના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં ૨૭ માર્ચે કોવિડ-19 મહામારી સમયે કરી હતી અને એનો ઉદ્દેશ આવી પરિસ્થિતિમાં લોકોની મદદ કરવાનો હતો. આ ભંડોળના અધ્યક્ષ ભારતના વડા પ્રધાન છે અને એમાં કેન્દ્રીય ગૃહપ્રધાન, નાણાપ્રધાન અને સંરક્ષણપ્રધાન સભ્ય છે. વડા પ્રધાન ત્રણ અલગ અલગ ક્ષેત્રના લોકોને એના મેમ્બર બનાવી શકે છે. સરકાર એને જાહેર ભંડોળ માનતી નથી, તેથી એના વ્યવહારોની માહિતી રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) અૅક્ટ હેઠળ અથવા સંસદીય પ્રશ્નોમાં જાહેર કરવામાં આવતી નથી.

શું થયાં હતાં કામ?

કોવિડ-19 મહામારી વખતે આ ફંડમાંથી ઘણો ખર્ચ કરવામાં આવ્યો હતો. ૨૦૨૦માં વેન્ટિલેટરો ખરીદવા માટે ૨૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. માઇગ્રન્ટ વર્કરો માટે ૧૦૦૦ કરોડ રૂપિયા અને વૅક્સિન બનાવવા માટે ૧૦૦કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

સુવિધાવાળી ૧૦૦૦ સ્કૂલો ખોલી શકાયઃ અભિજિત દીપકે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ આ ફંડના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ કર્યો છે. તેમણે દલીલ કરી હતી કે ‘આટલા રૂપિયાથી સરકાર સરકારી સ્કૂલોમાં સુવિધા, બેન્ચો, સારા રોડ અને પીવાના પાણીને ઉપલબ્ધ કરાવી શકે એમ છે. બધી સુવિધાઓથી સજ્જ એક સ્કૂલ ખોલવામાં ધારોકે અંદાજે ૮ કરોડ રૂપિયાનો ખર્ચ થાય તો વડા પ્રધાન આ ફંડમાંથી આવી ૧૦૦૦ સ્કૂલો ખોલી શકે એમ છે. આ નાણાં જનતાએ આપ્યાં હતાં અને એનો ઉપયોગ લોકોની ભલાઈ માટે કરવામાં આવવો જોઈએ.’

indian government india narendra modi income tax department national news news