સુપ્રીમ કોર્ટમાં પુરુષો માટે રાષ્ટ્રીય કમિશનની માગણી કરતી અરજી દાખલ

16 March, 2023 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ૧,૧૮,૯૭૯ પુરુષોએ તથા ૪૫,૦૨૬ મહિલાઓએ આત્મહત્યા કરી હતી જે ટકાવારીના હિસાબે જોઈએ તો અનુક્રમે ૭૨ ટકા અને ૨૭ ટકા રહી હતી.   

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર

નવી દિલ્હી  (પી.ટી.આઇ.) : ઘરેલુ હિંસાને કારણે પરણીત પુરુષો દ્વારા આત્મહત્યાની સમસ્યાના ઉકેલ માટે તેમ જ પુરુષો માટે નૅશનલ કમિશનની માગ કરતાં સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે.  

ઍડ્વોકેટ મહેશકુમાર તિવારી દ્વારા ફાઇલ કરવામાં આવેલીઆ અરજીમાં જણાવાયું છે કે નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા વર્ષ ૨૦૨૧માં જાહેર કરાયેલી આંકડાકીય વિગતો મુજબ એ વર્ષે દેશભરમાં ૧,૬૪,૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. આમાંથી ૮૧,૦૬૩ પરણીત પુરુષો હતા, જ્યારે ૨૮,૬૮૦ પરણીત મહિલાઓ હતી. 

આ પણ વાંચો: સજાતીય લગ્નોને મળશે માન્યતા? સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કરશે સુનાવણી

અરજીમાં એનસીઆરબી દ્વારા પૂરી પાડવામાં આવેલા આંકડાકીય માહિતી મુજબ સંબંધિત વર્ષ દરમ્યાન ૩૩.૨ ટકા લોકોએ પારિવારિક સમસ્યાઓને લીધે તથા ૪.૮ ટકા લોકોએ લગ્નજીવન સંબંધિત તકલીફોને કારણે આત્મહત્યા કરી હતી. આ વર્ષે ૧,૧૮,૯૭૯ પુરુષોએ તથા ૪૫,૦૨૬ મહિલાઓએ આત્મહત્યા કરી હતી જે ટકાવારીના હિસાબે જોઈએ તો અનુક્રમે ૭૨ ટકા અને ૨૭ ટકા રહી હતી.   

પિટિશનમાં નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને પરણીત પુરુષો દ્વારા આત્મહત્યાના મુદ્દાનો ઉકેલ લાવવા તેમ જ ઘરેલુ હિંસાનો ભોગ બનનારા પુરુષોની ફરિયાદ લેવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.

national news supreme court new delhi