14 July, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામ મંદિર
અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના મામલાએ દેશભરનાં મંદિરોમાં દાનની સુરક્ષા-વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ સમગ્ર વિવાદ બાદ હવે આધુનિક ટેક્નાૅલૉજીની મદદથી પારદર્શિતા અને સુરક્ષા વધારવાની મોટી તૈયારીઓ ચાલી રહી છે. આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આગામી ૧૫ જુલાઈ સુધીમાં ઉત્તર પ્રદેશ સરકારને પોતાનો અંતિમ અહેવાલ સોંપશે. આ રિપોર્ટમાં ટીમ દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવાની મહત્ત્વની ભલામણ કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે.
આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ દાનપેટીઓમાંથી રોકડ રકમ બહાર કાઢવા, એની ગણતરી કરવા, વિડિયો-રેકૉર્ડિંગ રાખવા અને એને બૅન્કમાં સુરક્ષિત રીતે જમા કરાવવા સુધીની સમગ્ર પ્રક્રિયા પર કડક ડિજિટલ નજર રાખવાનો છે. આનાથી દરેક તબક્કાનો ડિજિટલ રેકૉર્ડ તૈયાર થશે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે શંકાસ્પદ પ્રવૃત્તિની ત્વરિત ઓળખ થઈ શકશે.
રામ મંદિરની દાનચોરીની તપાસનો સ્ટેટસ-રિપોર્ટ માગ્યો સુપ્રીમ કોર્ટે
અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરીના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્ત્વનો આદેશ આપ્યો છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પાસે ચાલુ તપાસનો સ્ટેટસ-રિપોર્ટ માગ્યો છે. આ સાથે જ અદાલતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવી છે.
આ મામલે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીઓ પર સુનાવણી થઈ હતી. અરજીઓમાં આક્ષેપ કરાયો છે કે મંદિરના ફંડમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે, જેથી આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવે. અરજદારોના મતે ઉત્તર પ્રદેશ સરકારની SIT પાસે આવા જટિલ નાણાકીય કૌભાંડની ફૉરેન્સિક તપાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી.