25 May, 2026 09:34 AM IST | Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent
અભિજિત દીપકેના છત્રપતિ સંભાજીનગરના ઘરે પોલીસ-બંદોબસ્ત.
ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) અને નકલી વકીલોના કેસ સાથે જોડાયેલા મામલે એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કૉક્રૉચ જનતા પાર્ટીની સોશ્યલ મીડિયા ગતિવિધિઓ અને નકલી વકીલો સામે ગંભીર તપાસની જરૂર છે અને એની તપાસ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (CBI)ને સોંપવામાં આવે અને દેશવિરોધી ગતિવિધિઓ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવે. વકીલ રાજા ચૌધરીએ આ અરજી કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે કેટલાક લોકો ખુદને વકીલ અથવા તો કાનૂની વિશેષજ્ઞ બતાવીને જનતાને ગુમરાહ કરે છે એનાથી ન્યાયિક પ્રક્રિયા માટેની વિશ્વસનીયતાને ઠેસ પહોંચે છે. જનહિતની અરજીમાં ડિમાન્ડ કરવામાં આવી છે કે ક્રૉક્રૉચ જનતા પાર્ટી નામની સ્વ-ઘોષિત રાજનીતિક સંગઠનની ગતિવિધિઓ પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ કેમ કે આ સંગઠને સુપ્રીમ કોર્ટ દ્વારા કરેલી મૌખિક ટિપ્પણીઓનો દુરુપયોગ પોતાના વ્યાવસાયિક લાભ માટે કર્યો છે.
કૉક્રૉચ જનતા પાર્ટીનો ફાઉન્ડર અભિજિત દીપકે તો બૉસ્ટનમાં રહે છે, પરંતુ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહેતા તેના પેરન્ટ્સની હાલત કફોડી થઈ ગઈ છે. CJPએ સોશ્યલ મીડિયા પર અચાનક જેટલી લોકપ્રિયતા મેળવી છે એટલો જ એનો વિરોધ પણ થાય છે. એવામાં સ્થાનિક પોલીસે અભિજિતના પેરન્ટ્સ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે ૨૪ કલાક માટે પોલીસસુરક્ષા ગોઠવી છે.
રવિવારે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના ફાઉન્ડર અભિજિત દીપકેએ દાવો કર્યો હતો કે હવે તેમને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો કન્ટ્રોલ પાછો મળી ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર વિડિયો પોસ્ટ કરીને તેણે લખ્યું હતું કે ‘હમ વાપસ આ ગએ હૈં. તુમ ભૂલ ગએ થે કિ હમ ઝિંદા રહને કે લિએ ક્યા કર સકતે હૈ.’ અભિજિત દીપકેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરના ફૉલોઅર્સનો ડેટા શૅર કરીને દાવો કર્યો હતો કે એમાંથી ૯૪ ટકા ફૉલોઅર્સ ભારતનના છે. તેણે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુને સવાલ કર્યો હતો કે તમે ભારતીય યુવાનોને પાકિસ્તાની કેમ કહી રહ્યા છો?