જવાનોની તહેનાતીથી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે- મેહબૂબા મુફ્તી

28 July, 2019 10:42 AM IST  |  શ્રીનગર

જવાનોની તહેનાતીથી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે- મેહબૂબા મુફ્તી

મહેબૂબા મુફ્તી

અમિત શાહ દેશના ગૃહપ્રધાન બન્યા બાદથી જ દેશની સુરક્ષા મામલે આકરાં પગલાં લેવાશે એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો હતો. હવે જમ્મુ અને કાશ્મીરમાં વિશાળ સિક્યૉરિટી બિલ્ડઅપ માટે ૧૦ હજાર જેટલા સૈનિકોની ટુકડીને મોકલી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ બે દિવસની કાશ્મીર મુલાકાત પરથી પરત ફર્યા બાદ ટ્રૂપ્સ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. સૂત્રોએ જણાવ્યું કે અજિત ડોભાલ વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાણી હતી. કાશ્મીરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મહેબૂબા મુફ્તી અકળાયાં છે. તેમણે ટ્‌વીટ કરીને આક્રોશ ઠાલવતાં કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીર ઘાટીમાં કરાયેલી ૧૦,૦૦૦ જવાનોની તહેનાતીથી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં આમ પણ સુરક્ષા દળોની કોઈ કમી નથી. જમ્મુ અને કાશ્મીર રાજકીય સમસ્યા છે. સેના એનો ઉકેલ નથી. કેન્દ્ર સરકારે આ મામલે ફરીથી વિચાર કરીને પોતાની નીતિઓમાં બદલાવ લાવવાની જરૂર છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના ડિરેક્ટર જનરલ દિલબાગ સિંહે કહ્યું કે ઉત્તર કાશ્મીરના વિકાસ માટે આ સૈન્ય ટુકડીની પહેલેથી જ જરૂર હતી. ગૃહ મંત્રાલય તરફથી ઇશ્યુ થયેલ ઑર્ડરમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને ‘કાઉન્ટર ઇન્સર્જન્ટ ગ્રિડ’ને વધુ મજબૂત બનાવવા માટે વધારેના ફોર્સની તહેનાતી કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ દેશના અન્ય ભાગમાંથી જમ્મુ અને કાશ્મીરમાં સૈનિકોને ઍરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ડીજી દિલબાગ સિંહે જણાવ્યું કે ‘ઉત્તર કાશ્મીરમાં સૈનિકોની સંખ્યા ઓછી છે જેથી અમારે ત્યાં વધારે ફોર્સની જરૂરિયાત છે. અમારી માગણી મુજબ ૧૦૦ કંપનીઓને ઍરલિફ્ટ કરવામાં આવી છે. દરેક કંપનીમાં ૧૦૦ સૈનિકો છે. ૨૪ ફેબ્રુઆરીએ ૧૦૦ જેટલી સેન્ટ્રલ પૅરામિલિટરી ફોર્સની કંપનીઓને કાશ્મીર વૅલીમાં ઍરલિફ્ટ કરવામાં આવી હતી. એ સમયે સરકારે જણાવ્યું હતું કે એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી હોવાથી કાશ્મીરમાં વધુ સૈનિકોની તહેનાતી કરવામાં આવી છે. બાદમાં રાજ્યમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો અને એને સમર્થન કરતા કેટલાય નેતાઓ અને સમર્થકોને ઠાર મારવામાં આવ્યા હતા.

amit shah mehbooba mufti jammu and kashmir