02 June, 2025 12:05 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પવન કલ્યાણ, મમતા બૅનરજી
ઑપરેશન સિંદૂર વિશે બૉલીવુડના ઍક્ટરોના મૌન પર વિડિયો અપલોડ કરનારી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અને કાયદાનો અભ્યાસ કરતી બાવીસ વર્ષની સ્ટુડન્ટ શર્મિષ્ઠા પાનોલીની ધરપકડ કલકત્તા પોલીસે હરિયાણાના ગુરુગ્રામથી કરી છે. આ વિડિયોમાં તેણે મુસ્લિમો વિશે ટિપ્પણી કરી હતી જેનાથી વિવાદ વધ્યો હતો. શર્મિષ્ઠાના સમર્થનમાં ઍક્ટર પવન કલ્યાણ આવ્યા છે. પવન કલ્યાણે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની શર્મિષ્ઠાની ધરપકડ અંગેની ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતા બન્ને બાજુથી હોવી જોઈએ.
જનસેના પાર્ટીના ચીફ અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે તેમના સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર દરમ્યાન લૉની સ્ટુડન્ટ શર્મિષ્ઠાએ તેના વિચારો વ્યક્ત કર્યા હતા. તેના શબ્દો કેટલાક લોકો માટે દુઃખદ અને ખેદજનક હતા. તેણે પોતાની ભૂલ સ્વીકારીને વિડિયો ડિલીટ કર્યો હતો અને માફી પણ માગી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે શર્મિષ્ઠા સામે તાત્કાલિક કાર્યવાહી કરી; પરંતુ જ્યારે તૃણમૂલ કૉન્ગ્રેસના ચૂંટાયેલા નેતાઓ અને સંસદસભ્યો સનાતન ધર્મની મજાક ઉડાવે છે ત્યારે લાખો લોકો જે ઊંડી, તીક્ષ્ણ પીડા અનુભવે છે એનું શું? જ્યારે આપણા ધર્મને ગંદા ધર્મ કહેવામાં આવે છે ત્યારે આક્રોશ ક્યાં છે? એની માફી ક્યાં છે? તેમની તાત્કાલિક ધરપકડ ક્યાં છે? ધર્મનિરપેક્ષતા કેટલાક લોકો માટે ઢાલ અને બીજા માટે તલવાર નથી. એ બેમાર્ગી રસ્તો હોવો જોઈએ. પશ્ચિમ બંગાળ પોલીસને આખો દેશ જોઈ રહ્યો છે. દરેક માટે ન્યાયી રીતે કાર્ય કરો. હું શર્મિષ્ઠાની સાથે ઊભો છું.’
શર્મિષ્ઠા પાનોલીને મુક્ત કરો, પશ્ચિમ બંગાળને બીજું નૉર્થ કોરિયા ન બનાવો : કંગના રનૌત
શર્મિષ્ઠા પાનોલીની ધરપકડના વિરોધમાં કંગના રનૌતે પણ અવાજ ઉઠાવ્યો છે અને તેને તાત્કાલિક મુક્ત કરવા માટે જણાવ્યું છે. ગઈ કાલે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમ્યાન મીડિયા સાથેની વાતચીતમાં કંગના રનૌતે પશ્ચિમ બંગાળની મમતા બૅનરજી સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટ ડિલીટ કર્યા બાદ પણ શર્મિષ્ઠાની ધરપકડ અયોગ્ય હતી. કોઈ પણ છોકરી કે દીકરી સાથે આટલો બધો સખત વ્યવહાર ન થવો જોઈએ. હું પશ્ચિમ બંગાળ સરકારને વિનંતી કરું છું કે રાજ્યને બીજું નૉર્થ કોરિયા ન બનાવે. દરેક નાગરિકને લોકશાહી અધિકાર છે. જો તેણે વાંધાજનક ટિપ્પણી કરી હોય તો પછીથી તેણે એના માટે માફી પણ માગી લીધી હતી. તેણે આ ટિપ્પણી સામાન્ય સંદર્ભમાં કરી હોય એવું લાગે છે. આજે યુવાનો સામાન્ય રીતે આવી ભાષાનો ઉપયોગ કરે છે.’