પટના સ્ટેશન પાસે આવેલી ઈમારતોમાં ભભૂકી ભીષણ આગ, આટલા લોકોના ઘટના સ્થળે મોત

25 April, 2024 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિહારની રાજધાની પટના (Patna Fire)માં રેલવે સ્ટેશન નજીક આવેલી પાલ હૉટલમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયાં હતાં

પ્રતીકાત્મક તસવીર

બિહારની રાજધાની પટના (Patna Fire)માં રેલવે સ્ટેશન નજીક આવેલી પાલ હૉટલમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયાં હતાં. મૃતકોમાં પુરુષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે. તમામ બહારના હોવાનું કહેવાય છે. ૧૨થી વધુ લોકો ઇજાગ્રસ્ત હાલતમાં પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાની હાલત ગંભીર હતી. ઘણા 80થી 90 ટકા દાઝી ગયા છે. તેમને ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે. આગ (Patna Fire)નો ભોગ બનેલી હૉટલ અને અન્ય ઈમારતોમાં સર્ચ ઑપરેશન ચાલુ છે.

મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે સત્તાવાર નિવેદનો પણ સામે આવ્યા છે. પટના સિટી એસપી સેન્ટ્રલે જણાવ્યું કે આ આગમાં પાંચ લોકો દાઝી ગયા છે. દાઝી ગયેલી અને ઘાયલ હાલતમાં 18 લોકોને PMCHમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 12ને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.

આગ લાગી ત્યારે હૉટલ (Patna Fire)માં ઘણા લોકો હાજર હતા. ડીજી ફાયર શોભા અહોટકરે જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ થોડીવારમાં અનેક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. 51 ફાયર બ્રિગેડની મદદથી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હૉટલ અને આસપાસની ઈમારતોમાંથી 45 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ગેસ સિલિન્ડર લીક થવાના કારણે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ ફાયર ફાઈટિંગ ટીમ હજુ પણ દાઝી ગયેલા લોકોને શોધી રહી છે.

સ્થાનિક લોકો તરફથી જાણકારી મળી રહી છે કે આગ દિવસના 11 વાગે લાગી હતી. ગેસ સિલિન્ડરને કારણે લાગેલી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. હૉટલના કર્મચારીઓએ અગ્નિશામક દળની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. થોડી જ વારમાં આગ આખી હોટલમાં ફેલાઈ ગઈ અને આગની જાણ થતાં જ ફાયર વિભાગના અધિકારીઓ અને ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું.

ફાયરની ટીમ બે યુનિટ સાથે પ્રથમ આવી પહોંચી હતી. ભીષણ આગને કારણે નજીકના ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક કાંકરબાગ, લોદીપુર ફાયર સ્ટેશનથી ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા. કુલ 51 ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઑવરબ્રિજ ઉપર અને નીચે જામ હતો. આસપાસની ઇમારતોમાં પણ આગ લાગી હતી. પાલ હોટલ ઉપરાંત પંજાબી નવાબી અને બલવીર સાયકલ સ્ટોરમાં પણ આગ લાગી હતી. સ્ટેટ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર 30થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

 

fire incident patna bihar india national news