છાતી પર ૨૧ સજળ કળશ રાખીને નવરાત્રિના તમામ દિવસ નિર્જળા ઉપવાસની ઘોર તપસ્યા

23 September, 2025 10:41 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

નવરાત્રિ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાંથી તેઓ વ્રત શરૂ કરે છે

તેઓ છેલ્લાં ૨૯ વર્ષથી અનોખી પરંપરા નિભાવી રહ્યા છે

પટનામાં શરદ નવરાત્રિના આરંભની સાથે નૌલખા મંદિરમાં બાબા નાગેશ્વરની તપસ્યા પણ શરૂ થઈ ગઈ છે. તેઓ છેલ્લાં ૨૯ વર્ષથી અનોખી પરંપરા નિભાવી રહ્યા છે. તેઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને છાતી પર ૨૧ કળશ સ્થાપિત કરીને નવરાત્રિના તમામ દિવસ એ જ સ્થિતિમાં માતાજીની આરાધનામાં લીન રહે છે. નૌલખા મંદિરમાં માતાજીનાં દર્શન કરવા આવનારાઓ માના આ અનોખા ભક્તને પણ નમન કરે છે.  ૬૪ વર્ષના બાબા નાગેશ્વર આ મંદિરના પૂજારી છે. તેમનું કહેવું છે કે ૨૯ વર્ષ પહેલાં તેમણે નવરાત્રિ દરમ્યાન એક કળશ છાતી પર રાખીને ઉપવાસ કરવાનું શરૂ કર્યું હતું. દર વર્ષે એક-એક વધારતાં જઈને તેમની સાધના ૨૧ કળશ સુધી પહોંચી. એ પછીથી તેમણે દર વર્ષે ૨૧ કળશ લઈને નિર્જળા ઉપવાસ સાધના કરી છે. ખાસ વાત એ છે કે આ કળશ ખાલી નહીં, પાણીથી ભરેલા હોય છે એટલે એનું વજન લગભગ ૫૦ કિલો જેટલું થઈ જાય છે.

નવરાત્રિ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાંથી તેઓ વ્રત શરૂ કરે છે. ધીમે-ધીમે તેઓ અન્ન-જળનો ત્યાગ કરે છે. નવરાત્રિના બે દિવસ પહેલાંથી તેઓ ખાવા-પીવાનું છોડી દે છે એટલે નવરાત્રિ દરમ્યાન ન તો તેમને ભૂખ લાગે છે ન તરસ. શૌચાલય પણ જવું નથી પડતું. નવરાત્રિ પૂરી થાય એ પછી પાણી અને દશેરા પછી ભોજન ગ્રહણ કરે છે.

હજીયે જીવંત છે ચલચિત્રની લોકકલા


પશ્ચિમ બંગાળની પટ્ટચિત્રનો જ એક ભાગ ગણાતી ચલચિત્ર કળાના બહુ જૂજ કલાકારો હવે બચ્યા છે. આ આર્ટમાં એક લાંબા પત્ર પર વિવિધ ચિત્રો એવી રીતે દોરવામાં આવે છે જેનાથી જાણે કોઈ ચલચિત્ર કહેવાઈ રહ્યું હોય એવું લાગે. ન​દિયામાં એક વયસ્ક કલાકારે મા દુર્ગાની મૂર્તિના બૅકડ્રૉપમાં મૂકી શકાય એ માટે માતાજીના વિવિધ પ્રસંગોને વર્ણવતું ચલચિત્ર તૈયાર કર્યું છે. 

અમ્રિતસરના દુર્ગિયાણા તીર્થ પર પેરન્ટ્સ સંતાનોને લંગૂર બનાવીને કેમ લઈ જાય છે?

અમ્રિતસરના વિશ્વપ્રસિદ્ધ દુર્ગિયાણા મંદિરમાં દર વર્ષે નવરાત્રિમાં એક ખાસ મેળો લાગે છે જેને લંગૂર-મેળા કહેવાય છે. એમાં માતાપિતા તેમનાં સંતાનોને લંગૂર બનાવીને દર્શન કરવા લઈ જાય છે અને હનુમાનજી મંદિરમાં મસ્તી અને ભક્તિનો રંગ વેરાય છે. ગઈ કાલે નવરાત્રિના પહેલા દિવસે સદીઓ પુરાણી આ પરંપરા નિભાવવા અનેક ભક્તો ઊમટ્યા હતા. માન્યતા છે કે જેમના ઘરે દીકરો ન હોય તેઓ અહીંના વૃક્ષ પર મૌલી બાંધીને માનતા રાખે છે. જ્યારે એ માનતા પૂરી થાય એટલે દસ દિવસ સવાર-સાંજ દીકરાને લંગૂરના વેશમાં મંદિરમાં લાવે છે. 

national news india patna navratri culture news festivals