Pakistani Spy Arrest: ભારતમાં રહીને પાકિસ્તાનને પહોંચાડતો હતો ગુપ્ત માહિતી- ISI એજન્ટની મુરાદાબાદમાં ધરપકડ

19 May, 2025 07:27 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

Pakistani Spy Arrest: આરોપી લાંબા સમયથી પાકિસ્તાનના સંપર્કમાં હતો અને દાણચોરીની આડમાં દેશની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી દુશ્મન દેશને પહોંચાડતો હતો.

આ ISI એજન્ટની મુરાદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે (તસવીર - એએનઆઈ)

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલા લશ્કરી તણાવ બાદ ભલે અત્યારે યુદ્ધવિરામ લાગુ હોય પણ, ભારત સરકાર સંવેદનશીલ ઓપરેશન ચલાવી રહી છે. જે અંતર્ગત એટીએસ દ્વારા પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના ઇશારા પર ચાલનાર જાસૂસોની ધરપકડ (Pakistani Spy Arrest) કરવામાં આવી રહી છે. આ જ અભિયાન હેઠળ તાજેતરમાં ઉત્તરપ્રદેશના એટીએસ દ્વારા આવા જ એક એજન્ટની મુરાદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે આ આરોપી?

આ આરોપીની ઓળખ અબ્દુલ બહાબના પુત્ર શહજાદ તરીકે થઈ છે. માહિતી મળી રહી છે કે આરોપી લાંબા સમયથી પાકિસ્તાનના સંપર્કમાં હતો અને દાણચોરીની આડમાં દેશની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી દુશ્મન દેશને પહોંચાડતો હતો. હાલમાં તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશની એટીએસ દ્વારા આ સંદર્ભે એક પ્રેસ રિલીઝ પણ જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે શહજાદ પાકિસ્તાની એજન્સી આઈએસઆઈને ભારતની ગુપ્ત માહિતી પૂરી પાડતો હતો. યુપીમાં સક્રિય આઈએસઆઈ એજન્ટોને પૈસા આપવા ઉપરાંત તેણે ભારત વિરુદ્ધ જાસૂસી (Pakistani Spy Arrest) કરવા માટે તેમને સિમ કાર્ડ પણ પૂરા પાડ્યા હતા. 

લોકોને પાકિસ્તાન જવાના વિઝા પણ આપ્યા હતા

આ સાથે જ આરોપીના વધુ ગુનાઓ પણ સામે આવ્યા છે. તેણે ISI માટે કામ કરવાના હેતુથી લોકોને પાકિસ્તાન જવા માટે વિઝા પણ આપ્યા હતા. એટીએસના જણાવ્યા અનુસાર ભારત-પાકિસ્તાન સરહદ પર એક વ્યક્તિ દાણચોરી કરી રહ્યો હોવાની તેઓને માહિતી મળી હતી. આ જે ગુનેગાર છે તેને જાસૂસી એજન્સી દ્વારા સરક્ષણપણ મળેલું હોવાની સાથે તે આઈએસઆઈ માટે જાસૂસી કરતો હોવાની જાણ એટીએસને થઈ હતી. ત્યારે તેની તાબડતોબ ધરપકડ (Pakistani Spy Arrest) કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં આવ- જા કરતો રહેતો હતો

કહે છે કે આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં આવ-જા કરતો હતો. તેમ જ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ચોરીચુપકેથી કોસ્મેટિક્સ, કપડાં, મસાલા તેમ જ અન્ય વસ્તુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કર્યા કરતો હતો. 

ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 148 અને 152 હેઠળ કેસ નોંધ્યો છે. હવે તેને દબોચી લઈને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી શહઝાદે ભારત વિરુદ્ધ જાસૂસી કરવા માટે ISIને ભારતીય સિમ કાર્ડ પણ પૂરા પાડ્યા હોવાની માહિતી પૂછપરછમાં સામે આવી છે. એટીએસ આજે તેને કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડ માટે અનુરોધ (Pakistani Spy Arrest) કરવાની છે.

શહબાઝની ધરપકડ માત્ર એક જાસૂસની ધરપકડ તો છે જ પણ સાથે ભારતમાં ISI દ્વારા સ્થાપિત જાસૂસી નેટવર્કના મોટા ભાગનો પર્દાફાશ પણ કહી શકાય. હાલમાં સુરક્ષા એજન્સીઓ તે તમામ લોકોની તપાસ કરી રહી છે જેઓ આ જાસૂસી નેટવર્ક સાથે જોડાયેલા છે અને દેશવિરોધી કૃત્ય કરી રહ્યા છે.

national news india pakistan anti-terrorism squad uttar pradesh ind pak tension Crime News