૧૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું, પણ ૬૦૦ કરોડનો માલ છે ગાયબ

26 May, 2019 08:22 AM IST  |  ભુજ | ઉત્સવ વૈદ્ય

૧૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું, પણ ૬૦૦ કરોડનો માલ છે ગાયબ

બોટથી 300 કિલોગ્રામ ડ્રગ્સ લાવતા ઝડપાઈ પાકિસ્તાની બોટ

૬ પાકિસ્તાનીઓની સઘન પૂછપરછ બાદ ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે શુક્રવારે સવારે ૯ વાગ્યે તેમની ધરપકડ કરી મોડી સાંજે ભુજની અદાલતમાં રજૂ કર્યા હતા. રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. રિમાન્ડ મેળવવા ડીઆરઆઇએ રજૂ કરેલી ભૂમિકાના આધારે ડ્રગ્સકાંડની અન્ય કેટલીક ચોંકાવનારી માહિતી પ્રથમ વાર બહાર આવી છે.

પાકિસ્તાની બોટ અલ મદીનામાંથી ઝડપાયેલું ડ્રગ્સ બે પ્રકારનું છે. ડીઆરઆઇએ કરાવેલા કેમિકલ ઍનૅલિસિસમાં સ્પક્ટ થયું છે કે અમુક જથ્થો બ્રાઉન હેરોઇનનો છે અને અમુક જથ્થો ર્મોફીન તથા મૅથેનોલયુક્ત બેઝિક આલ્કલાઇન પ્રકારના ડ્રગ્સનો છે. અલ મદીના બોટમાં રહેલાં ડ્રગ્સનાં ૧૯૪ પૅકેટનું વજન કુલ ૨૧૭ કિલો ૮૫ ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ રૂપિયા કિલોએ વેચાતા આ ડ્રગ્સની બજારકિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા છે.

કુલ ૩૩૦ કિલોગ્રામ ડ્રગ્સ હતું, પણ બાકીનું ૬૦૦ કરોડનું ડ્રગ્સ ક્યાં ગયું?

બોટમાંથી ઝડપાયેલા ૬ શખ્સોમાં ડ્રગ્સકાંડનો મુખ્ય કૅરિયર પાકિસ્તાનનો સફદર અલી અલવારાયુ શેખ છે. ભારતમાં બોટ મારફત ડ્રગ્સનો જથ્થો ઘુસાડવા માટે તેણે ૭ મેએ બલૂચિસ્તાનમાંથી અલ મદીના નામની બોટ ખરીદી હતી અને કરાચીમાં એનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ૧૦ મેએ આ બોટનું કસ્ટમ ક્લિયરન્સ કરાવી એમાં ૩૩૦ કિલોગ્રામ ડ્રગ્સ અને એના સહિત કુલ ૧૧ ક્રૂ-મેમ્બર સાથે તે ભારત આવવા નીકYયો હતો. ૧૨ મેએ આ ડ્રગ્સ તેણે ભારતીય રિસીવરને સુપરત કરવાનું હતું, પરંતુ કોઈક કારણસર ૧૨ મેએ જથ્થો રિસીવ કરવા ભારતીય બોટ ન આવી શકે એવો સંદેશ મળતાં તે બોટ સાથે પાછો ફર્યો હતો. ૩૩૦ કિલોગ્રામ ડ્રગ્સ તેણે કરાચી નજીક સમુદ્રી વિસ્તારમાં નર્જિન બેટ પર ઉતારી દીધો હતો. ૧૪ મેએ સફદર અલી ફરી કરાચી ગયો હતો. ત્યાં તેણે ખુદાબક્ષ અને ઝાહેદ નામના બે શખ્સો સાથે ડ્રગ્સની ડિલિવરી વિશે મીટિંગ કરી હતી જેમાં પાંચ દિવસ બાદ એટલે કે ૨૧ મેએ ડ્રગ્સની ડિલિવરીની તારીખ નક્કી થઈ હતી. ભારતમાંથી મોહમ્મદ રમઝાન નામનો શખ્સ બોટ લઈને ડ્રગ્સ રિસીવ કરવા આવવાનો હતો, પણ ૨૧ મેએ સફદરઅલી બોટ સાથે ઝડપાઈ ગયો અને બોટમાંથી ૨૧૭.૮૫ કિલોગ્રામ ડ્રગ્સ મળ્યું છે. બાકીનું ૬૦૦ કરોડનું ૧૧૩ કિલોગ્રામ ડ્રગ્સ ક્યાં ગયું એ વિશે ડીઆરઆઇને કોઈ સંતોષકારક ખુલાસો નથી મળ્યો.

આ પણ વાંચો:પ્રધાન મમતા બૅનરજીના રાજીનામાનો પાર્ટીએ કર્યો અસ્વીકાર

ડીઆરઆઇએ પકડેલા ૬ પાકિસ્તાનીઓમાં સફદર ઉપરાંત કરાચીનો અલ્લાહદાન અલ્લાબક્ષ અઝીમખાન ઉસ્માનખાન, બલૂચિસ્તાનનો અબ્દુલ ગફુર શકીદાદ, કરાચીનો મોહમ્મદ ઉરસ અને મલહીરનો અબ્દુલ અઝીઝ મોહમ્મદ ઝુમાનો સમાવેશ થાય છે. બોટમાંથી ૪૭ હજાર રૂપિયા (પાકિસ્તાનનું ચલણ), એક સ્માર્ટફોન અને પાંચ મોબાઇલ ફોન મળ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં સફદરઅલીએ વૉટ્સઍપ મારફત ડ્રગ્સ-ડીલરના સંપર્કમાં હોવાનું કબૂલ્યું છે. ભારતમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા બદલ સફદરને પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓએ ૧૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. સફદરને માલ ડિલિવરી કરવા તૈયાર કરનારા પાકિસ્તાની ડ્રગ્સ માફિયા કોણ? સફદરઅલી પાસે ડ્રગ્સનો જથ્થો કેવી રીતે પહોંચ્યો? ૬૦૦ કરોડનું ડ્રગ્સ ક્યાં ગયું? ભારતમાં ડ્રગ્સ કોને આપવાનું હતું જેવા વિવિધ મુદ્દે સફદરઅલીની પૂછપરછ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર વતી સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ વિવિધ મુદ્દે રિમાન્ડ માટેનાં ગ્રાઉન્ડ રજૂ કર્યા બાદ ભુજની વિશેષ અદાલતનાં ડેઝિગ્નેટેડ જજ મમતાબહેન એમ. પટેલે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

national news pakistan gujarati mid-day