ભારતમાં મોટા હુમલાની તૈયારી? : પાકિસ્તાને મસૂદ અઝહરને મુક્ત કર્યો

10 September, 2019 07:43 AM IST  | 

ભારતમાં મોટા હુમલાની તૈયારી? : પાકિસ્તાને મસૂદ અઝહરને મુક્ત કર્યો

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન બરાબરનું ભેરવાયું છે. દુનિયાભરના દેશોએ પાકિસ્તાનને એની જગ્યા બતાવી દીધા બાદ પણ એ શાંત બેસવા તૈયાર નથી. હવે જ્યારે ભારત-પાકિસ્ત વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે ત્યારે જ પાકિસ્તાને ભારતવિરોધી વધુ એક પગલું ભર્યું છે. ઇમરાન ખાન સરકારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને જેલમાંથી મુક્ત કરી દીધો છે.મસૂદ અઝહર ભારતમાં સંસદ, મુંબઈ, પુલવામા, ઉરી સહિત અનેક હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. મસૂદ અઝહરની મુક્તિ બાદ ભારતીય સેના અને સુરક્ષા દળોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને મસૂદ અઝહરની ધરપકડ કરી લીધી હતી. જોકે ત્યારે પણ ભારતે કહ્યું હતું કે મસૂદ અઝહરની ધરપકડ માત્ર દેખાડો છે. હવે તેની ગૂપચૂપ મુક્તિથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને મસૂદ અઝહરની ધરપકડનું નાટક કર્યું હતું.

આ પણ વાંચો: આરેમાં કારશેડ નહીં તો મેટ્રો પણ નહીં

દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાની અલર્ટઃ સેના

ભારતીય સેનાને સૂચના મળી છે કે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ ઈન ચીફ એસ. કે. સેનીએ કહ્યું છે કે અમને જાણકારી મળી છે કે ભારતના દક્ષિણ ભાગમાં આતંકી હુમલો થઈ શકે છે. સરક્રિકથી કેટલીક બિનવારસી બોટ મળી છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા માટે સાવધાની રાખી રહ્યા છીએ કે અસામાજિક તત્ત્વો અને આતંકવાદીઓનો પ્લાન ફેલ સાબિત થાય.

national news gujarati mid-day