પાકિસ્તાન હવે બીજા દેશો મારફત વિધ્વંસક સામગ્રી મુન્દ્રા પહોંચાડી રહ્યું છે

29 January, 2022 09:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુન્દ્રા પોર્ટ પર શંકાસ્પદ ૧૦ કન્ટેનર્સમાંથી પાકિસ્તાનની આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં ઇક્વિપમેન્ટ્સના ભાગો મળી આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ભારતની ભૂમિ પરથી પાકિસ્તાનના વધુ એક કાવતરાનો પર્દાફાશ થયો છે. મુન્દ્રા પોર્ટ પર શંકાસ્પદ ૧૦ કન્ટેનર્સમાંથી પાકિસ્તાનની આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં ઇક્વિપમેન્ટ્સના ભાગો મળી આવ્યા છે. પાકિસ્તાની કન્સાઇનમેન્ટ ડાયરેક્ટના બદલે વાયા અખાતી દેશોમાંથી મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવતાં હોવાનો પણ પર્દાફાશ થયો છે. તપાસ અધિકારીઓ અનુસાર પાકિસ્તાની કન્સાઇનમેન્ટ અત્યારે સીધાં જ મુન્દ્રા પોર્ટ પર નથી આવી રહ્યાં બલકે અફઘાનિસ્તાન, ઈરાન અને દુબઈ થઈને એ કાર્ગો મુન્દ્રા પોર્ટ પર મોકલવાની મોડસ ઑપરેન્ડી અપનાવવામાં આવી રહી છે. 
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનની આર્મીનાં હથિયારો અને ઇક્વિપમેન્ટ્સને ભંગારની સાથે વાયા દુબઈ થઈને મુન્દ્રામાં ઘુસાડવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. અમદાવાદની એક પ્રાઇવેટ લિમિટેડ પેઢી દ્વારા મુન્દ્રાસ્થિત હિન્દ ટર્મિનલ ખાતે સ્ક્રૅપના શિપિંગ બિલ હેઠળ ૧૦ કન્ટેઇનર્સ ઘુસાડવાની કોશિશ થઈ હતી, જેમાં વિવાદાસ્પદ કાર્ગોની સાથે દોઢ કરોડની ડ્યુટીચોરી પણ સામે આવી છે. 
નોંધપાત્ર છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એના પહેલાં સરહદ પારથી મોકલવામાં આવેલી મોટા પ્રમાણમાં વિધ્વંસક સામગ્રી પંજાબ અને ઉત્તર પ્રદેશની બૉર્ડર પાસેથી પકડાઈ છે. એવામાં મુન્દ્રાના પોર્ટ પરથી મળેલાં આ કન્ટેનર્સ સુરક્ષાને લઈને ચિંતા વધારી રહ્યાં છે. 

national news india pakistan