આજીવન બાળબ્રહ્મચારી રહ્યા, ૩૪ વર્ષ સુધી વિશ્વભ્રમણ કર્યું, કદી બીમાર નહોતા પડ્યા

05 May, 2025 08:04 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં પદ્‍મશ્રીથી સન્માનિત ૧૨૮ વર્ષના શિવાનંદબાબાની વિદાય

બાબા શિવાનંદ સાથેનો પોતાનો આ ફોટો શૅર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અવસાન પર દુ:ખ પ્રગટ કર્યું હતું.

વારાણસીમાં રહેતા ૧૨૮ વર્ષના યોગગુરુ અને પદ્‍મશ્રીથી સન્માનિત સ્વામી શિવાનંદબાબાનું શનિવારે રાતે નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થવાથી ત્રણ દિવસથી તેમને બનારસ હિન્દુ યુનિવર્સિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે રાતે ૮.૪૫ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રયાગરાજમાં મહાકુંભમાં શિવાનંદબાબાનો કૅમ્પ લાગ્યો હતો. તેમણે કુંભસ્નાન કર્યું હતું. તેઓ વારાણસીના દુર્ગાકુંડ સ્થિત કબીરનગરમાં રહેતા હતા.

૧૮૯૬માં જન્મ

તેમના આધારકાર્ડ પર જન્મ તારીખ ૮ ઑગસ્ટ ૧૮૯૬ નોંધવામાં આવી છે. તેમનો જન્મ અવિભાજિત બંગાળના શ્રીહટ્ટી જિલ્લામાં (હવે બંગલાદેશ) હરિપુર ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પરિવારમાં માતા ભગવતીદેવી, પિતા પંડિત શ્રીનાથ ગોસ્વામી અને એક મોટી બહેન મળીને ચાર મેમ્બર હતા. કહેવામાં આવે છે કે ભિક્ષા માગીને આ પરિવારનો ગુજારો થતો હતો. ચાર વર્ષની ઉંમરે તેમના પિતાએ તેમને બાબા શ્રી ઓમકારનંદ ગોસ્વામીને સમર્પિત કરી દીધા હતા, જેથી તેમની દેખભાળ થઈ શકે. ત્યારથી તેમણે યોગશિક્ષણ લીધું હતું અને આજીવન યોગ કર્યા અને શિષ્યોને યોગ શીખવ્યા હતા.

સન્માનમાં દેખાઈ દિવ્યતા

૨૦૨૨ની ૨૧ માર્ચે તેમને રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં પદ્‍મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સમયે સફેદ ધોતી-કુરતો પહેરીને આવેલા ૧૨૫ વર્ષના શિવાનંદબાબાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રણામ પણ કર્યાં હતાં. નરેન્દ્ર મોદીએ પણ પોતાની ખુરસી પરથી ઊભા થઈને, હાથ જોડીને, ઝૂકીને પ્રણામ કર્યાં હતાં. તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ તેમણે ઝૂકીને નમસ્કાર કર્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે તેમને પોતાના હાથથી ઉઠાવ્યા હતા અને પછી સન્માનપત્ર આપ્યું હતું.

ક્યારેય બીમાર નથી થયા

તેઓ અડધું પેટ ખાલી રહે એ રીતે ભોજન કરતા હતા અને મોટા ભાગે બાફેલું ભોજન કરતા. તેઓ કદી પણ ઍર-ક​ન્ડિશન્ડ રૂમમાં સૂતા નહોતા. ઠંડીમાં હીટરનો પણ ઉપયોગ ટાળતા હતા. જમીન પર ચટાઈ પાથરીને લાકડાનો તકિયો રાખીને સૂતા હતા. રોજ સવારે કઠિન યોગ કરતા, તેઓ કદી બીમાર પડ્યા નહોતા. ૨૦૧૯માં કલકત્તા અને ચેન્નઈની અપોલો હૉસ્પિટલમાં તેમનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું ત્યારે તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ હતા.

૩૪ વર્ષ સુધી વિશ્વભ્રમણ કર્યું

તેઓ આજીવન બાળબ્રહ્મચારી રહ્યા હતા. ૧૯૨૫માં પોતાના ગુરુના આદેશ પર તેઓ વિશ્વભ્રમણ પર નીકળ્યા હતા અને આશરે ૩૪ વર્ષ સુધી દેશ-વિદેશ ફરતા રહ્યા હતા. છેલ્લે તેઓ ૨૦૧૧માં ઇંગ્લૅન્ડ ગયા હતા.  

મોરારીબાપુના આશીર્વાદ લીધા ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ

ગઈ કાલે ઉત્તરાખંડના ચમોલીમાં નંદપ્રયાગમાં રાજ્યના મુખ્ય પ્રધાન પુસ્કર સિંહ ધામીએ મોરારીબાપુના આશીર્વાદ લીધા હતા. નંદપ્રયાગમાં ત્રીજી મેથી મોરારીબાપુની કથા શરૂ થઈ છે જે ૧૧ મે સુધી ચાલશે.

yoga narendra modi padma shri varanasi kumbh mela apollo hospital national news news