જૉબ ક્રાઇસિસઃ ઇન્ડિયન સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં છટણીની સીઝન શરૂ

01 July, 2022 10:24 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્ટાર્ટઅપ્સે ૧૨,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી આઉટ કર્યા, વધુ ૫૦,૦૦૦ કર્મચારીઓની આ વર્ષે રીસ્ટ્રક્ચરિંગ અને કોસ્ટ મૅનેજમેન્ટના નામે હકાલપટ્ટી કરવામાં આવે એવી શક્યતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ભારતમાં સ્ટાર્ટઅપ્સ કોસ્ટકટિંગ માટે સતત સ્ટાફની હકાલપટ્ટી કરી રહ્યા છે. માત્ર આ વર્ષે નોકરી ગુમાવનારાઓની સંખ્યા ૬૨,૦૦૦ પર પહોંચશે.

વિરોધાભાસ એ છે કે હજી પણ ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સને ફન્ડિંગ સતત મળી રહ્યું છે, પરંતુ એની સાથે જ કર્મચારીઓની છટણીનો રેશિયો પણ નોંધપાત્ર વધી રહ્યો છે.

ઓલા, બ્લિનકિટ, બાયજુસ (વાઇટ હેટ જુનિયર, ટૉપર), અનઍકૅડેમી, વેદાંતુ, કાર્સ24, મોબાઇલ પ્રીમિયર લીગ (એમપીએલ), લિદો લર્નિંગ, એમફાઇન, ટ્રેઇલ, ફારઆઇ, ફર્લેન્કો અને બીજી અનેક કંપનીઓએ મળીને અત્યાર સુધીમાં લગભગ ૧૨,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી આઉટ કર્યા છે.

ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ જણાવે છે કે સ્ટાર્ટઅપ્સમાં કામ કરતા વધુ ૫૦,૦૦૦ કર્મચારીઓની આ વર્ષે રીસ્ટ્રક્ચરિંગ અને કોસ્ટ મૅનેજમેન્ટના નામે હકાલપટ્ટી કરવામાં આવે એવી શક્યતા છે, જ્યારે બીજી તરફ કેટલાક સ્ટાર્ટઅપ્સ લાખો કરોડો રૂપિયાનું ફન્ડિંગ મેળવી રહ્યા છે.  

ઓલા, અનઍકૅડેમી, વેદાંતુ, કાર્સ24 અને મોબાઇલ પ્રીમિયર લીગ (એમપીએલ) જેવા અનેક યુનિકોર્ન્સે પણ કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે.

હુરુન ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનસ રહમાન જુનૈદે સ્વીકાર્યું હતું કે ‘ગ્લોબલ ઇકૉનૉમીમાં કેટલીક ચિંતા છે, જેની ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સના વૅલ્યુએશન્સ અને ફન્ડ મેળવવાની ક્ષમતા પર અસર થઈ શકે છે.’

જુનૈદે વધુ કહ્યું હતું કે ‘ઉપરાંત કેટલાક ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ સ્લોડાઉનની શક્યતા જોઈને છટણી અને કોસ્ટકટિંગ માટેના અન્ય ઉપાયો અપનાવવા જઈ રહ્યા છે. અમે માનીએ છીએ કે ટૂંકા ગાળે ગ્રોથમાં ઘટાડો આવી શકે છે, પરંતુ લાંબા ગાળે ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ ઉત્કૃષ્ટ અને સ્થિતિસ્થાપક રહેશે.’

national news india