11 October, 2026 07:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં ઓગસ્ટ ક્રાન્તિ મેદાન પર વિરોધ-પ્રદર્શન કરવા જતા લોકોને નાના ચોક પર જ રોકવામાં આવ્યા હતા. એ વખતે એક યુવતીએ પોલીસનો આક્રમક પ્રતિકાર કર્યો હતો. તસવીરોઃ સૈયદ સમીર અબેદી
કૉક્રૉચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનને કચડી નાખ્યું પોલીસે; અભિજિત દીપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકા દિલ્હીમાં લૅન્ડ થયા ત્યારે પ્લેનમાં ઘૂસીને અટકાયત; ચાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો મમતા બૅનરજી, અરવિંદ કેજરીવાલ, પિનરાઈ વિજયન અને માણિક સરકાર સહિતના ૪૦૦૦+ જણને પોલીસે તાબામાં લીધા ઃ મુંબઈના આંદોલન પર પણ પોલીસ ત્રાટકી
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગણી સાથે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ ગઈ કાલે દિલ્હીના જંતર-મંતર પર કરવા ધારેલા વિરોધ-પ્રદર્શનને નિષ્ફળ બનાવવાના સરકારના પ્રયાસો સફળ રહ્યા હતા અને CJPના ટોચના નેતાઓ અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પ્લેનમાંથી જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તેમને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. આ પ્રદર્શનને કારણે ૪૦૦૦થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર CJP નેતાઓ સિવાય અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવેલા તમામ વિરોધીઓને મુક્ત કરવામાં આવ્યા છે. CJP નેતાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત પછી CJPએ અભિજિતનો અગાઉથી રેકૉર્ડ કરેલો વિડિયો જાહેર કર્યો હતો જેમાં અભિજિતે કહ્યું હતું કે અમારી અટકાયતને પગલે અજિંક્ય શિંદે હવે આ આંદોલનને આગળ ધપાવશે.
દિલ્હીમાં CJPના વિરોધ-પ્રદર્શન બાદ સંગઠને સ્પષ્ટ કર્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. CJP દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદમાં અજિંક્ય શિંદેએ જણાવ્યું હતું કે જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી વિરોધ-પ્રદર્શન સમાપ્ત થશે નહીં. તેમણે જાહેરાત કરી કે CJP આજે ફરી એક વાર જંતર-મંતર તરફ કૂચ કરશે. અજિંક્ય શિંદેએ આંદોલનકારીઓને આજે સવારે ૧૦ વાગ્યે જંતર મંતર પર ભેગા થવાનું આહ્વાન કર્યું હતું.
આવતી કાલે દિલ્હીમાં INDIA ગઠબંધનનું વિરોધ પ્રદર્શન; મમતા પણ જોડાશે
વિપક્ષોના INDIA ગઠબંધને સોમવારે એક ભવ્ય વિરોધ-પ્રદર્શનની તૈયારી કરી છે. મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન જારી રહેશે, એમાં મમતા બૅનરજી પણ જોડાશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ચિંતા વ્યક્ત કરી, અટકાયત કરાયેલા લોકોને મુક્ત કરવાની માગણી
સંયુક્ત રાષ્ટ્રસંઘે દિલ્હીમાં રાજકીય નેતાઓ, સ્ટુડન્ટ્સ અને નાગરિકોની સામૂહિક અટકાયત વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની માગણી કરી હતી. આ સંદર્ભમાં જણાવ્યું હતું કે ‘દિલ્હીમાં વિરોધ-પ્રદર્શનો પહેલાં અને એ દરમ્યાન દેખાવકારો, વિરોધ-પ્રદર્શનના નેતાઓ, વકીલો અને પત્રકારોની સામૂહિક અટકાયતના અહેવાલો વિશે અમે ચિંતિત છીએ. અમે સત્તાવાળાઓને આહ્વાન કરીએ છીએ કે તેઓ શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાના અધિકારનું સંપૂર્ણ સન્માન થાય અને એનું પાલન થાય એ સુનિશ્ચિત કરે.’
સુપ્રીમ કોર્ટમાં આજે ખાસ સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે એક કન્ટેમ્પ્ટ અરજી પર ખાસ સુનાવણી કરશે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અધિકારીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન દરમ્યાન દિલ્હી મેટ્રો સ્ટેશનો બંધ રાખીને અને ટ્રેનસેવાઓ રદ કરીને ૯ ઑક્ટોબરના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. અરજીમાં વરિષ્ઠ અધિકારીઓ પર આવશ્યક પબ્લિક ટ્રાન્સપોર્ટ જાળવવાના કોર્ટના નિર્દેશનો અનાદર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સોનમ વાંગચુકની
ભૂખ-હડતાળની ધમકી
લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ફરીથી
ભૂખ-હડતાળ પર ઊતરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે ‘અટકાયતમાં લેવામાં આવેલા નેતાઓને આજ સુધીમાં છોડી મૂકવામાં નહીં આવે તો તેઓ ફરીથી જંતર-મંતર પર ભૂખ-હડતાળ પર ઊતરી જશે. પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર જાહેર કરાયેલા એક વિડિયો સંદેશમાં તેમણે દાવો કર્યો હતો કે દેશ અઘોષિત કટોકટીની સ્થિતિમાં છે. મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં અઘોષિત કટોકટી લાદવામાં આવી હશે.’