વાઇરસના નવા વેરિઅન્ટ્સ, મંદ રસીકરણ અને લોકોની બેદરકારીને કારણે રોગચાળો બેફામ થયો

12 April, 2021 11:38 AM IST  |  New Delhi | Agency

કોરોનાની બીજી લહેરની ઉગ્રતા માટે નિષ્ણાતોએ આ ત્રણ કારણોને ગણાવ્યા વધુ જવાબદાર

રસી મુકાવતા મણિપુરના મુખ્ય પ્રધાન ​બિરેન સિંહ. પી.ટી.આઇ.

નવી દિલ્હી : (પી.ટી.આઇ.) કોરોના રોગચાળામાં બેફામ વૃદ્ધિ માટે નિષ્ણાત ડૉક્ટરો વાઇરસના નવા-નવા વેરિઅન્ટ્સ, મ્યુટન્ટ્સ અને વર્ઝન્સ ઉપરાંત રસીકરણની મંદ પ્રક્રિયા તથા જનતાની બેદરકારીને કારણભૂત ગણે છે.
એક દિવસમાં ૧,૫૨,૮૭૯ કેસના ઉમેરા સાથે કોરોના ઇન્ફેક્શનનો અત્યાર સુધીનો કુલ આંકડો ૧,૩૩,૫૮,૮૦૫ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના ગૃહમંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડા મુજબ ગઈ કાલે સવારે ૮ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૧૦,૭૩૨ નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં વર્ષ ૨૦૨૦ની ૧૧ નવેમ્બરે ૮૫૯૩ કેસ નોંધાયા હતા. 
આંકડા અને સંજોગોને આધારે કોરોનાની બીજી લહેર વધારે ગંભીર અને આક્રમક હોવાનો અભિપ્રાય ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો દર્શાવે છે. વાઇરોલૉજિસ્ટ શાહીદ જમીલ અને ટી. જૅકબે જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૨૧ના આરંભમાં રોગચાળાના આંકડા ઘટી રહ્યા હતા, પરંતુ કોવિડ પ્રોટોકોલના પાલનમાં બેદરકારી તેમ જ વૅક્સિનેશન પછી પણ સાવધ રહેવાની સૂચનાઓ આપવામાં પણ શિથિલતા પરિસ્થિતિ વણસી જવા માટે કારણભૂત છે. 
એ ઉપરાંત વૅક્સિનેશન ડ્રાઇવની ધીમી ગતિને લીધે પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વાઇરસના નવા-નવા વેરિઅન્ટ્સ, વર્ઝન્સ અને મ્યુટેશન્સ પણ જાણકારીમાં આવી રહ્યા છે. એ બધા પર વૅક્સિનની અસરકારકતા આવતા બે મહિનામાં સ્પષ્ટ થાય એવી આશા રાખી શકાય એમ છે.’   

national news coronavirus covid19