જૈન સમાજ હંમેશાં રહેશે મોદીનો પરિવાર

22 April, 2024 06:52 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના ભારત મંડપમમાં ૨૫૫૦મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ‌્ઘાટન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જૈન ધર્મનો અર્થ જ થાય છે જિનનો માર્ગ એટલે કે જીતનારાનો માર્ગ

ભારત મંડપમમાં ૨૨૫૦મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવમાં સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિને નરેન્દ્ર મોદીએ નતમસ્તક થઈને વંદન કર્યા હતા.

મહાવીર જન્મકલ્યાણકના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ૨૫૫૦મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ‌્ઘાટન કર્યું હતું. આ અવસરે તેમણે એક વિશેષ સ્ટૅમ્પ અને સિક્કો પણ રિલીઝ કર્યાં હતાં.

ચૂંટણીની ભાગદોડ વચ્ચે આ કાર્યક્રમમાં આવવું એ મનને બહુ શાંતિ આપનારું છે એમ જણાવીને વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જૈન ધર્મ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા સિદ્ધાંતોનું પાલન કરી દુનિયાને અલગ સંદેશ આપે છે, જૈન ધર્મનો અર્થ જ થાય છે જિનનો માર્ગ એટલે કે જીતનારાનો માર્ગ, આપણે સ્વયંમાં સુધારો કરીને આપણી કમીઓ પર વિજય મેળવ્યો છે.

વૈશ્વિક કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા પર જોર મૂકતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ’આપણો દેશ પોતાના માટે નહીં, પણ આખી દુનિયાની માનવતા માટે વિચારે છે. આજે જ્યારે દુનિયા સંઘર્ષોમાં ફસાઈ છે ત્યારે એ ભારત પાસે શાંતિની આશા રાખી રહી છે. આજે ભારત આ ભૂમિકામાં આવ્યું છે, કારણ કે આપણે વૈશ્વિક મંચ પર પૂરા વિશ્વાસથી સત્ય અને અહિંસાને સામે રાખીએ છીએ. ભારત દુનિયાની એકમાત્ર સૌથી પ્રાચીન અને જીવિત સભ્યતા છે, એની સાથે માનવતાનું સુરક્ષિત ઠેકાણું છે. ભારત એક જ એવો દેશ છે જે સ્વની નહીં, પણ સર્વસ્વની ભાવના રાખે છે. 
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જૈન સમાજના લોકોએ દરેક વખતે મોદીનો પરિવાર બનવાનો સંકલ્પ લીધો હતો. મંચ પરથી એક સંતે ઉપસ્થિત જૈન સમાજને હાથ જોડીને સંકલ્પ લેવા કહ્યું કે જૈન સમાજ હંમેશાં મોદીનો પરિવાર રહેશે. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિજયી ભવના આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

 

national news india delhi narendra modi jain community