કસ્ટમરને હેરાન કરનારા ડ્રાઇવરને લીધે ઓલાને થયો ૧ લાખ રૂપિયાનો દંડ

24 April, 2024 07:14 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સૅમ્યુઅલે ત્યાર બાદ ઓલાને ઈ-મેઇલ મોકલીને ટ્રિપ દરમ્યાનનો પોતાનો અનુભવ શૅર કરીને ફરિયાદ નોંધાવી

ઓલા

હૈદરાબાદમાં ડ્રાઇવરના ગેરવર્તનને કારણે ઓલાએ કસ્ટમરને ૧ લાખ રૂપિયાનું વળતર આપવાનો વારો આવ્યો છે. જબેઝ સૅમ્યુઅલ નામના ગ્રાહકે અસ્વચ્છ કાર, AC ચાલુ કરવાનો ઇનકાર, ડ્રાઇવરનું ઉદ્ધત વર્તન જેવા મુદ્દાઓ સાથે ફરિયાદ કરી હતી જેમાં ચુકાદો તેના પક્ષે આવ્યો હતો.

સૅમ્યુઅલે અલગ-અલગ જગ્યાએ જવા ચાર કલાક માટે ઓલા કૅબ બુક કરી હતી અને આ રાઇડમાં તેમનાં પત્ની તથા એક હેલ્પર સાથે હતાં. તેમણે કૅબમાં બેસતાંવેંત જોયું તો એ અસ્વચ્છ હતી અને એમાં વિચિત્ર વાસ આવતી હતી. તેમણે ડ્રાઇવરને AC ચાલુ કરવાનું કહ્યું તો તેણે ના પાડી દીધી અને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. હજી તેઓ ચાર-પાંચ કિલોમીટર દૂર ગયાં હશે ત્યાં ડ્રાઇવરે ત્રણેયને ગાડીમાંથી ઊતરી જવાનું કહ્યું.

સૅમ્યુઅલે ત્યાર બાદ ઓલાને ઈ-મેઇલ મોકલીને ટ્રિપ દરમ્યાનનો પોતાનો અનુભવ શૅર કરીને ફરિયાદ નોંધાવી. જોકે એમ છતાં કંપની તરફથી વારંવાર એ રાઇડનું બિલ ચૂકવવાનું કહેતા ફોન આવતા રહ્યા. સૅમ્યુઅલે ઘણી વાર પોતાની બાજુ માંડી, પણ પછી બિલ ચૂકવી દીધું અને ત્યાર બાદ કન્ઝ‍્યુમર ફોરમમાં ડ્રાઇવરને લીધે વેઠવી પડેલી માનસિક યાતના બદલ રીફન્ડ અને વળતર માગતો કેસ કર્યો.

કેસમાં ડ્રાઇવરનું નામ નથી, અમારી પાસે હજારો ડ્રાઇવરો છે અને એ બધાની અમે જવાબદારી ન લઈ શકીએ એવાં ઘણાં ત્રાગાં ઓલાએ કરી જોયાં; પણ છેવટે કન્ઝ‍્યુમર ફોરમે ચુકાદો આપતાં કહ્યું કે ઓલાએ ગ્રાહકને રીફન્ડ, ૧ લાખ રૂપિયાનું વળતર અને લીગલ ખર્ચ તરીકે વધારાના પાંચ હજાર રૂપિયા આપવા પડશે.

national news hyderabad ola india Crime News