Odisha: હોસ્પિટલ જતા સમયે રસ્તામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે દર્દીને પાયો દારૂ

20 December, 2022 05:34 PM IST  |  Odisha | Gujarati Mid-day Online Correspondent

એમ્બ્યુલન્સ ડ્રાઈવર હાઈવેની બાજુમાં વાહન રોકે છે અને નજીકના દારૂની દુકાનમાં જઈને દારૂ ખરીદે છે. પહેલા તે પોતે દારૂ પીવે છે અને પછી દર્દીને પીવા માટે આપે છે.

પ્રતીકાત્મક તસવીર

ઓડિશામાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરે દર્દી સાથે એવું કૃત્ય કર્યું, જેને સાંભળીને કોઈપણ માથું પકડી લેશે. હકીકતમાં, રાજ્યના જગતસિંહપુર જિલ્લામાં, એમ્બ્યુલન્સ ડ્રાઇવરે હોસ્પિટલ જતા રસ્તામાં વાહન રોક્યું અને પોતે તો દારૂ પીધો, પરંતુ ઘાયલ મુસાફરને પણ પીવડાવ્યો.

આ ઘટના તિરતોલ વિસ્તારની છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એમ્બ્યુલન્સ ડ્રાઈવર હાઈવેની બાજુમાં વાહન રોકે છે અને નજીકના દારૂની દુકાનમાં જઈને દારૂ ખરીદે છે. પહેલા તે પોતે દારૂ પીવે છે અને પછી દર્દીને પીવા માટે આપે છે. વીડિયોમાં એક પ્લાસ્ટર્ડ દર્દી સ્ટ્રેચર પર સૂતો અને દારૂ પીતો જોવા મળે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

જ્યારે લોકોએ આ અંગે ડ્રાઈવરને સવાલ કર્યો તો તેણે કહ્યું કે દર્દીએ દારૂ પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એમ્બ્યુલન્સમાં એક મહિલા અને એક બાળક પણ સવાર હતા. ઘટના અંગે જગતસિંહપુર જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું કે તે એક ખાનગી એમ્બ્યુલન્સ હતી, તેથી અમે તેના પર કંઈ કહી શકીએ નહીં. તેમણે કહ્યું કે આરટીઓ અને પોલીસે એમ્બ્યુલન્સ ચાલક સામે કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાની પર ટિપ્પણી કરવા બદલ અજય રાય વિરુદ્ધ કેસ દાખલ, જાણો આખો મામલો

ગ્રામજનોએ એમ્બ્યુલન્સ ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી 

સાથે જ આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઘટનાની તપાસ અને એમ્બ્યુલન્સ ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તિરતોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર-ઈન્ચાર્જ જુગલ કિશોર દાસે જણાવ્યું હતું કે તેમને આ ઘટના અંગે કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી અને FIR નોંધાયા પછી જ તપાસ શરૂ કરવામાં આવશે.

national news odisha viral videos