ઓડિશાના આરોગ્યપ્રધાનને ગોળી મારનારા પોલીસે ફાયરિંગ પહેલાં દીકરી સાથે વાત કરી : કારણ હજી અસ્પષ્ટ

30 January, 2023 12:15 PM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Correspondent

આ પોલીસ ઑફિસરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આ પ્રધાનને ગંભીર ઈજા થઈ હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ભુવનેશ્વર (પી.ટી.આઇ.) : ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નબા કિશોર દાસને ગઈ કાલે ઝારસુગુદા જિલ્લામાં અસિસ્ટન્ટ સબ પોલીસ ઇન્સ્પેક્ટરે ગોળી મારી હતી. બ્રજરાજનગર ટાઉનમાં આ પ્રધાન એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બપોરે એક વાગ્યે આ ઘટના બની હતી. આ પોલીસ ઑફિસરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આ પ્રધાનને ગંભીર ઈજા થઈ હતી. તેમને હૉસ્પિટલ અને પછી ભુવનેશ્વર લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.  સાક્ષીઓએ જણાવ્યું હતું કે તેઓ વાહનમાંથી ઊતર્યા કે તરત જ તેમને સાવ નજીકથી ગોળી મારવામાં આવી હતી. 

બ્રજરાજનગરના સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર ગુપ્તેશ્વર ભોઈએ કહ્યું હતું કે ‘અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ દાસે પ્રધાન પર ફાયરિંગ કર્યું હતું. શા માટે તેમણે ફાયરિંગ કર્યું હતું એ જાણવા માટે તપાસ શરૂ કરી દેવાઈ છે. પ્રધાનને ગોળી વાગી છે અને તેમને હૉસ્પિટલ લઈ જવાયા છે.’ 

સ્થાનિક પોલીસે આરોપી અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરને ઝડપી લીધો છે. વિડિયો ફુટેજમાં જોવા મળ્યું હતું કે દાસની છાતીમાંથી લોહી વહેતું હતું અને તેઓ બેભાન થઈ ગયા હોવાનું જણાતું હતું. 
અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરની પત્નીએ જણાવ્યું હતું કે આ પોલીસ ઑફિસર છેલ્લાં સાતથી આઠ વર્ષથી મેન્ટલ ડિસઑર્ડરનો સામનો કરી રહ્યો છે. આ પ્રધાન પર ફાયરિંગ કરતાં પહેલાં તેણે તેની દીકરીને કૉલ કર્યો હતો.

national news odisha Crime News