NTAએ UGC-NETની જૂન-સાઇકલ માટે નવી તારીખ જાહેર કરી

30 June, 2024 10:16 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જૂન-સાઇકલની UGC-NET પરીક્ષા ૧૮ જૂને લેવામાં આવી હતી, પણ બીજા જ દિવસે એને રદ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ શુક્રવારે તાજેતરમાં રદ કરાયેલી NCET, જૉઇન્ટ CSIR-UGC NET અને UGC-NETની જૂન-સાઇકલ માટે નવી તારીખ જાહેર કરી હતી. અગાઉ અનિવાર્ય સંજોગોનું કારણ આપીને પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી અથવા મુલતવી રાખવામાં આવી હતી જેને કારણે સંખ્યાબંધ સ્ટુડન્ટ્સ નવી તારીખની રાહ જોઈ રહ્યા હતા.

જૂન-સાઇકલની UGC-NET પરીક્ષા ૧૮ જૂને લેવામાં આવી હતી, પણ બીજા જ દિવસે એને રદ કરવામાં આવી હતી. શુક્રવારે રાતે NTA દ્વારા જાહેર કરાયેલા નૉટિફિકેશન અનુસાર NCET ૨૦૨૪ પરીક્ષા ૧૦ જુલાઈએ લેવામાં આવશે, જૉઇન્ટ CSIR-UGC NET પરીક્ષા ૨૫થી ૨૭ જુલાઈ વચ્ચે અને UGC-NETની જૂન-સાઇકલની પરીક્ષા ૨૧ ઑગસ્ટ અને ૪ સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવશે.
NTAના નૉટિફિકેશનમાં ઉમેદવારોને વધુ જાણકારી માટે એની સત્તાવાર વેબસાઇટ www.nta.ac.inની મુલાકાત લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. એમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઑલ ઇન્ડિયા આયુષ પોસ્ટ ગ્રૅજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૪ એના શેડ્યુલ મુજબ ૬ જુલાઈએ યોજાશે. 

NEET-PGની પરીક્ષાની નવી તારીખ બે દિવસમાં જાહેર થશે : ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગઈ કાલે જણાવ્યું હતું કે નૅશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન (NBE) દ્વારા નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રૅજ્યુએટ (NEET-PG) પરીક્ષાનું નવું શેડ્યુલ બે દિવસમાં જાહેર કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં કથિત અનિયમિતતાના પગલે ઉગ્ર વિરોધ બાદ અગમચેતીના પગલારૂપે ગયા અઠવાડિયે રદ કરાયેલી પરીક્ષામાં NEET-PGનો પણ સમાવેશ છે.

national news india Education