એનઆરસી સમગ્ર દેશમાં લાગુ થશેઃ અમિત શાહની સંસદમાં જાહેરાત

21 November, 2019 12:07 PM IST  |  Mumbai

એનઆરસી સમગ્ર દેશમાં લાગુ થશેઃ અમિત શાહની સંસદમાં જાહેરાત

અમિત શાહ

ગૃહપ્રધાન અમિત શાહે આજે બુધવારે અત્રે સંસદમાં મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આસામની જેમ સમગ્ર દેશમાંથી વિદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે દેશવ્યાપી એનઆરસીનો કાયદો લાગુ કરવામાં આવશે જેમાં દરેક નાગરિકની ઓળખ કરવામાં આવશે. જો કે તેનાથી કોઈ પણ સંપ્રદાયના લોકોએ ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેના દ્વારા તમામનો એનઆરસીમાં સામેલ કરી શકાય.  એનઆરસી એ નાગરિકત્વ બિલથી અલગ છે અને તેમાં બીજા દેશોમાંથી હિજરત કરીને ભારત આવેલા હિન્દુ, બૌદ્ધ, સિખ, જૈન, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ મળશે.
તેમણે તેની સાથે સાથે સંસદના ફલોર પરથી દેશને જાણ કરી હતી કે કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. ૫ ઑગસ્ટ પછી પોલીસ ગોળીબારમાં એક પણ નાગરિક માર્યો ગયો નથી અને ઇન્ટરનેટને લાગેવળગે છે ત્યાં સુધી ટૂંક સમયમાં જ આ રાજ્યમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવશે. દરમ્યાન સમગ્ર દેશમાં એનઆરસી લાગુના મામલે રાજકીય વિવાદ સર્જાવાની શક્યતા છે કેમ કે પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને કૉન્ગ્રેસ તેનો વિરોધ કરી રહ્યાં છે.
અમિત શાહે આજે રાજ્યસભામાં કાશ્મીરની પરિસ્થિતિ સામાન્ય હોવાનું કહીને એનઆરસીના મામલે કહ્યું કે એનઆરસી(નૅશનલ રજિસ્ટ્રાર સિટિઝનશિપ)માં આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ વિશેષ ધર્મનો સમાવેશ ન થાય. તેથી કોઈએ તેનાથી ડરવાની જરૂર નથી. ભારતના તમામ નાગરિકો પછી તે કોઈ પણ ધર્મના હોય તેઓ એનઆરસી યાદીમાં સામેલ થઈ શકશે. આસામમાં એનઆરસીની અંદાજે ૧૯ લાખ ‘વિદેશીઓ’ની યાદીમાંથી બાકાત રહી ગયેલા લોકો અંગે શાહે ખુલાસો કરતાં કહ્યું હતું કે જેઓ એનઆરસી મુસદ્દાની યાદીમાં નથી, તેમને પુરાવા સાથે વિદેશ ટ્રિબ્યુનલમાં જવાનો અધિકાર છે. આસામ સરકારે આવા ટ્રિબ્યુનલની જોગવાઈ કરી છે.  જો કોઈ વ્યક્તિ પાસે ટ્રિબ્યુનલમાં પોતાનો કેસ રજૂ કરવા માટે વકીલની વ્યવસ્થા માટે આર્થિક સગવડ નથી તો તેમને આસામ સરકાર પોતાના ખર્ચે વકીલની સેવા ઉપલબ્ધ કરાવી આપશે.
દરમ્યાન કેન્દ્રીય ગૃહપ્રધાને વધુમાં એમ પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. બુધવારે તેમણે સંસદમાં કાશ્મીર અંગે વિપક્ષી પાર્ટીઓના સાંસદો દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના કોઈ પણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કર્ફ્યુની સ્થિતિ નથી.
શાહે કહ્યું, જ્યાં સુધી કાયદા વ્યવસ્થાની વાત છે, ૫ ઑગસ્ટ પછી જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ફાયરિંગમાં એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. કલમ ૧૪૪ હેઠળ લાદવામાં આવેલ તમામ પ્રતિબંધો રાજ્યના તમામ ૧૯૫ પોલીસ સ્ટેશનોથી હટાવી લેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ સુવિધા શરૂ કરવા અંગેના પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું કે સરકારે સ્થાનિક વહીવટીતંત્રને પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા કહ્યું છે અને ત્યારબાદ જ કોઈ પગલાં લેવામાં આવશે. શાહે કહ્યું કે રાજ્યની હૉસ્પિટલોમાં દરદીઓ માટે જરૂરી તમામ દવાઓનો જથ્થો ઉપલબ્ધ થશે અને દરદીઓને તે મળી રહ્યો છે અને તેમાં કોઈ સમસ્યા નથી.
કાશ્મીરના મામલે ગૃહપ્રધાને આપેલી જાણકારીને કૉન્ગ્રેસના સિનિયર નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામનબી આઝાદે વારંવાર પડકારતાં એક તબક્કે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી. શાહે કૉન્ગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદને પડકાર ફેંક્યો અને પૂછ્યું કે આઝાદને તેમના આંકડા સામે શા માટે વાંધો છે? ગૃહપ્રધાને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી અને ચોખાનો પૂરતો જથ્થો છે. આ ઉપરાંત ૨૨ લાખ મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થવાની સંભાવના છે અને તમામ લૅન્ડલાઇન સેવાઓ ખુલ્લી છે. તમામ ૨૦,૪૧૧ શાળાઓ ખુલ્લી છે અને પરીક્ષા સરળતાથી ચાલે છે. ૧૧મા ધોરણના ૯૯.૪૮ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. ધોરણ ૧૦ અને ૧૨ના ૯૯.૭ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, એમ પણ શાહે ગૃહને જણાવ્યું હતું.

કરોડોના ખર્ચે તૈયાર થયેલી આસામ એનઆરસી યાદીને રદ કરવા બીજેપી સરકારની જ માગણી

આસામ સરકારે એક આશ્ચર્યજનક પગલારૂપે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તાજેતરમાં જારી થયેલ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ને રદ કરવામાં આવે. આસામના નાણાપ્રધાન હેમંત વિશ્વ શર્માએ બુધવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટની નિગરાનીમાં વર્ષો પછી આસામ માટે  એનઆરસી યાદી તૈયાર થઈ છે.
ગુવાહાટીમાં પત્રકાર પરિષદને સંબોધતાં બીજેપી નેતાએ કહ્યું કે પાર્ટીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને હાલના સ્વરૂપમાં એનઆરસીને નકારી કાઢવા વિનંતી કરી છે. આસામ સરકારને એનઆરસી સ્વીકાર્ય નથી. આસામ સરકાર અને આસામ બીજેપીએ પણ ગૃહપ્રધાનને એનઆરસીને નકારી કાઢવા વિનંતી કરી છે. નોંધનીય છે કે આસામમાં વિદેશી ઘૂસણખોરોને શોધી કાઢીને તેમને તેમના દેશ પરત મોકલી આપવાના ભાગરૂપે વર્ષો પછી અંદાજે ૧૨,૦૦૦ કરોડના ખર્ચે આ એનઆરસી યાદી તૈયાર થઈ છે જેમાં ૧૯ લાખ લોકોને વિદેશી જાહેર કરાયા છે. જોકે એમાં અંદાજે ૧૨ લાખ હિન્દુ છે એથી બીજેપી સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
શર્માએ કહ્યું કે આસામ રાજ્ય સરકારે સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય એનઆરસીને સક્ષમ કરી છે. તેમણે કહ્યું કે જો કટ ઑફ વર્ષ ૧૯૭૧ છે તો એ બધાં રાજ્યો માટે સમાન હોવું જોઈએ. જોકે અમે આસામના કરારને રદ કરવા માટે કહી રહ્યા નથી.
એનઆરસીના પૂર્વ રાજ્ય સંયોજક અને સરકારી અધિકારી પ્રતીક હેઝેલાની આકરી ટીકા કરતાં પ્રધાને આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારને અલગ રાખીને તેમણે આ અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરી છે.

amit shah assam