હવે ઑફિસમાં પણ મુકાવી શકશો કોરોનાની રસી

08 April, 2021 11:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૧ એપ્રિલથી દેશમાં તમામ ઑફિસોમાં ૪૫-પ્લસ કર્મચારીઓ માટે વૅક્સિનેશન

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણની પ્રક્રિયામાં વેગ લાવવાની સૂચના આપતો પત્ર લખ્યો છે અને એ સાથે એવું પણ લખ્યું છે કે પ્રાઇવેટ હોય કે સરકારી, તમામ પ્રકારની ઑફિસોમાં રવિવાર, ૧૧ એપ્રિલથી વૅક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી દો. જોકે એ સંબંધમાં સરકારે કહ્યું છે કે હમણાં તો તમામ ઑફિસોમાં ૪૫ વર્ષથી વધુ વયના હોય એવા જ સ્ટાફ-મેમ્બરોને રસી મૂકવી.
એ જોતાં હવે દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વધુ તેજી આવવાની પાકી સંભાવના છે. સરકારના આ આદેશથી એવી કંપનીઓને પણ ફાયદો થશે જેમણે પોતાના કર્મચારીઓને મફત રસી માટેની બાંયધરી આપી હતી. હવે ૧૧ એપ્રિલથી તમામ ઑફિસોમાં વૅક્સિનેશનની પ્રક્રિયા જોરશોરથી ચાલશે. આ નૂતન પ્રક્રિયાથી ઑફિસના સ્ટાફ-મેમ્બરોએ રસી મુકાવવા બહાર ક્યાંય જવું નહીં પડે, જેને કારણે તેમને કોરોનાનો ચેપ લાગવાનો તેમ જ વાઇરસ ફેલાવાનો ડર ઘટી જશે.
કેન્દ્ર સરકાર કેમેય કરીને કોરોનાની બીજી લહેરને વહેલાસર ડામી દેવા માગે છે અને એ દિશામાં ઑફિસોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.

national news coronavirus covid19