હવે બીજેપીના સંગઠનમાં ઘરદીઠ એક જ હોદ્દો મળશે

21 December, 2020 12:18 PM IST  |  Vadodara | Agencies

હવે બીજેપીના સંગઠનમાં ઘરદીઠ એક જ હોદ્દો મળશે

હવે બીજેપીના સંગઠનમાં ઘરદીઠ એક જ હોદ્દો મળશે

પક્ષમાં કડક શિક્ષક તરીકે અને સખત નિર્ણય લેવાની છાપ ધરાવતા સી. આર. પાટીલ ગુજરાત બીજેપીની કમાન સંભાળ્યા બાદ સતત ચર્ચામાં રહે છે. પોતાનાં વિવિધ નિવેદનો અને નિર્ણયોથી સી. આર. પાટીલ બીજેપીના નેતાઓ અને કાર્યકરોને પણ અચરજ પમાડતા રહ્યા છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રવાસ દરમિયાન વડોદરા ખાતે સી. આર. પાટીલનું વધુ એક એવું નિવેદન સામે આવ્યું જેણે હાલ કૉન્ગ્રેસની સાથોસાથ બીજેપીના હોદ્દેદારો અને નેતાઓની પણ ઊંઘ ઉડાડી દીધી છે. વડોદરામાં બીજેપીના કાર્યાલયમાં સંગઠનની બેઠક યોજાઈ હતી. ખાસ કરીને આગામી દિવસોમાં આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અને એ બાબતના આગામી એજન્ડા વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ બીજેપીના પ્રમુખ સી. આર. પાટીલે કાર્યકરોને કહી દીધું કે હવે બીજેપીમાં એક પરિવારમાં એક જ હોદ્દો અપાશે. સી. આર. પાટીલે કાર્યકરોને જણાવ્યું કે હવે બીજેપી સંગઠનમાં પ્રતિ ઘરદીઠ એક જ હોદ્દો મળશે. જે સંગઠનનો હોદ્દો ધરાવતા હશે તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. વડોદરા બીજેપપ સંગઠનમાં જે લોકોને સ્થાન મળ્યું છે તેઓ ટિકિટ માટે મહેનત ન કરે. પાટીલના આ નિવેદનથી બીજેપીના ટિકિટ વાંચ્છુક નેતાઓ અને હોદ્દેદારોનું સપનું રોળાયું છે. પાટીલે આ એક નિવેદનથી એક કાંકરે બે નિશાન તાક્યાં છે. એક તરફ પાટીલે પરિવારવાદ અને ભાઈ-ભત્રીજાવાદનાં નિવેદનો મુદ્દે કૉન્ગ્રેસની બોલતી બંધ કરી દીધી છે.
બીજી તરફ પાટીલે ગુજરાત બીજેપીના નેતાઓ અને હોદ્દેદારોને પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે અહીં મેરિટના આધારે જ પદ આપવામાં આવશે. અહીં કોઈ પણ પ્રકારનો સગાવાદ કે પરિવારવાદ ચલાવી લેવામાં નહીં આવે. આ અગાઉ સી. આર. પાટીલે વડોદરા ખાતેની મુલાકાત દરમિયાન લવ જેહાદ વિશે કાયદાનું સમર્થન કર્યું હતું. સી. આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવો જરૂરી છે. દીકરીઓને ભોળવવાનો પ્રયાસ થાય એ ક્યારેય પણ સાંખી શકાય નહીં. દીકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલાં લેવાવાં જરૂરી છે.

gujarat vadodara national news