રોબોએ અત્યાર સુધી હૉસ્પિટલમાં 100થી વધુ સર્જરી કરી છે

04 January, 2020 12:55 PM IST  |  New Delhi

રોબોએ અત્યાર સુધી હૉસ્પિટલમાં 100થી વધુ સર્જરી કરી છે

રોબો સર્જરી

આગામી બે મહિનામાં દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં રોબોની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. રોબોનો ઉપયોગ કરનારી હૉસ્પિટલની ટીમે ત્રણ મહિનામાં ૧૦૦થી વધુ સર્જરી કરી છે. હવે રોબોની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હૉસ્પિટલના કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન ડૉક્ટર અનુપ કુમારે જણાવ્યું છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ એક મુશ્કેલ સર્જરી છે. આ સર્જરી કરવા માટે પહેલાં એક પ્રશિક્ષિત ટીમની જરૂર હતી. હવે અમારી ટીમ તૈયાર છે. અમે આગામી બે મહિનામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરીશું.

ડૉક્ટર અનુપે જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલાં જ રોબો ઇન્સ્ટૉલ કરાયો હતો. સરકારી હૉસ્પિટલોમાં એઇમ્સ બાદ સફદરજંગ બીજી હૉસ્પિટલ છે જ્યાં રોબો દ્વારા સર્જરી થાય છે. રોબોની મદદથી ઓછા સમયમાં સારી સર્જરીનાં પરિણામ આવી રહ્યાં છે. પહેલાં જેટલા સમયમાં એક સર્જરી કરવામાં આવતી હતી હવે એટલા જ સમયમાં બે સર્જરી થઈ રહી છે. એના પગલે સર્જરી માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા દરદીને લાભ થઈ રહ્યો છે.

ડૉક્ટરે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતા મફતમાં ઉપલબ્ધ કરાવવાનો છે, જેમાં અમે સફળ થઈ રહ્યા છીએ. આજે અહીં ઍડ્વાન્સ કૅન્સરની સારવાર શ્રેષ્ઠ ટેક્નિકની મદદથી ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રોબોનો ઉપયોગ પ્રોસ્ટેટ કૅન્સર, કિડની કૅન્સર, બ્લૅડર કૅન્સર, રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી અને ઍડ્વાન્સ કૅન્સરમાં કરવામાં આવી રહી છે.

રોબોની મદદથી સર્જરીમાં કાપો નથી મૂકવામાં આવતો. પીડા કે બ્લડ-લૉસ પણ થતો નથી. રિકવરી પણ જલદી થઈ જાય છે. લોકો સારવાર બાદ રોજિંદાં કામ જલદીથી કરી શકે છે.

new delhi safdarjung hospital national news