તમામ સૅમ્પલ્સનું જિનોમ સીક્વન્સિંગ નથી થઈ રહ્યું, લક્ષણોથી જાતે જ ઓળખો ડેલ્ટા છે કે ઓમાઇક્રોન

16 January, 2022 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં જિનોમ સીક્વન્સિંગની સુવિધા અપૂરતી હોવાના કારણે ઘણી ઓછી સંખ્યામાં દરદીઓમાં વેરિઅન્ટ્સની તપાસ થઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં રોજ કોરોનાના દરદીઓની સંખ્યા વધી રહી છે. મોટા ભાગના દરદીઓ ઓમાઇક્રોનથી સંક્રમિત હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે દરદીઓનાં સૅમ્પલ્સના જિનોમ સીક્વન્સિંગ વિના એના વિશે કન્ફર્મ ન કહી શકાય. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં જિનોમ સીક્વન્સિંગની સુવિધા અપૂરતી હોવાના કારણે ઘણી ઓછી સંખ્યામાં દરદીઓમાં વેરિઅન્ટ્સની તપાસ થઈ રહી છે. અત્યારે તો ઓમાઇક્રોન વેરિઅન્ટનાં લક્ષણોને જોઈને જ અંદાજ લગાવી શકાય છે. 
નોંધપાત્ર છે કે આરટી-પીસીઆર દ્વારા દેશમાં કોરોનાના અઢી લાખથી વધુ કેસ ડિટેક્ટ થાય છે. જોકે ઓમાઇક્રોન કે અન્ય કોઈ વેરિઅન્ટની તપાસ માટે માત્ર ૧૦,૦૦૦ સૅમ્પલ્સ જ જિનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યાં છે. એવામાં બાકી લોકોને ડેલ્ટા છે કે ઓમાઇક્રોન, એની કેવી રીતે જાણ થઈ શકે?
​નવી દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલના પ્રોફેસર, ડિરેક્ટર કમ્યુનિટી મેડિસન ડૉ. જુગલ કિશોર જણાવે છે કે ‘ભારતમાં જિનોમ સીક્વન્સિંગ માટે જેટલાં પણ સૅમ્પલ્સ આવી રહ્યાં છે, એમાંથી લગભગ ૮૦ ટકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટ હોવાનું કન્ફર્મ થયું છે. સીક્વન્સિંગ માટે આ સૅમ્પલ્સ રેન્ડમ લેવામાં આવે છે.’

દરદીઓનાં લક્ષણો પર ધ્યાન રાખો

ઓમાઇક્રોન હોય કે ડેલ્ટા; કફ, શરદી અને તાવ એ સામાન્ય લક્ષણો છે. જોકે ગળામાં દુખાવો એ ઓમાઇક્રોનમાં ખૂબ જ સામાન્ય લક્ષણ છે. ડેલ્ટાની બાબતમાં એમ નથી, પરંતુ કેટલાક દરદીઓને એમ થાય છે. ડેલ્ટા કરતાં ઓમાઇક્રોનના દરદીઓમાં માથાનો દુખાવો, શરીરમાં દુખાવો તેમ જ અશક્તિ જેવાં લક્ષણો વધુ જોવા મળે છે. ડેલ્ટાના દરદીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જ્યારે ઓમાઇક્રોનમાં એ રેર લક્ષણ છે.

coronavirus covid19 Omicron Variant national news