03 September, 2025 08:38 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
હેવી રેઇનફૉલને કારણે પંજાબનો રૂપનગર જિલ્લો (ઉપર) અને હરિયાણાનું ગુરુગ્રામ જળમગ્ન થઈ ગયેલાં દેખાય છે.
ઉત્તર ભારતમાં પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને દિલ્હી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. પંજાબનાં ૧૩૧૨ ગામોના ૨.૫૬ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. પઠાનકોટ, ફિરોઝપુર સહિત પંજાબના ૧૨ જિલ્લાઓ આશરે એક અઠવાડિયાથી પૂરની ઝપટમાં છે. અત્યાર સુધીમાં પંજાબમાં ૨૯ લોકોએ જીવ ગુમાવ્યા છે.
હરિયાણાના ભિવાની, હિસાર, સિરસા, યમુનાનગર, કુરુક્ષેત્ર અને પંચકુલામાં કેટલીક સ્કૂલોને બંધ કરવામાં આવી છે. ગુરુગ્રામમાં કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમનો આદેશ આપવામાં આવ્યો છે.
છત્તીસગઢના સુકમામાં સબરી નદીનાં પાણી રહેણાક વિસ્તારોમાં ફરી વળતાં ઇન્ડિયન ઍરફૉર્સના જવાનોએ પૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા.
દિલ્હીમાં યમુના નદીએ ખતરાના નિશાનને પાર કર્યા પછી ગઈ કાલે ટ્રાન્સ-યમુના વિસ્તારની ઘણી સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયાં હતાં. યમુનાબજાર, મયૂર વિહાર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તેમની જરૂરી ચીજવસ્તુઓ સાથે રાહત શિબિરોમાં જવાની અપીલ કરવામાં આવી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હજી આજે અને આવતીકાલે રેડ અને ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.
દિલ્હીમાં યમુના નદીનું પાણી ભયજનક સ્તરે પહોંચ્યું હતું. જો પાણીનું સ્તર થોડુંક વધ્યું તો લોહા પુલ પણ જળમગ્ન થઈ શકે છે એવી ભીતિ છે.
ઉત્તરાખંડના તમામ ૧૩ જિલ્લાઓમાં સ્કૂલો અને કૉલેજો બંધ છે. સોમવારે કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલનમાં બે ભાવિકોએ જીવ ગુમાવ્યા હતા અને ૬ લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા પાંચમી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.
વૈષ્ણોદેવી જવાના માર્ગમાં ભૂસ્ખલનને કારણે યાત્રા છેલ્લા સાત દિવસથી બંધ છે એને કારણે સેંકડો યાત્રીઓ રસ્તા ખૂલવાની રાહ જોતા કટરા અને આસપાસની હોટેલોમાં અટવાઈ ગયા છે.
પૂરના પાણીમાં ઝૂલે છે રાધા-કૃષ્ણ
બે દિવસથી વાઇરલ થયેલા આ વિડિયોમાં પૂરનાં પાણીના પ્રવાહ વચ્ચે પણ રાધા-કૃષ્ણની મૂર્તિ સંપૂર્ણપણે સ્થિર ઊભી છે. પૂરનાં પાણી મૂર્તિને સ્પર્શી શકતાં નથી, પણ ઝૂલાને ઝુલાવી રહેલાં દેખાય છે. આ વિડિયો જોનારા લોકો આ ઘટનાને દિવ્ય કહી રહ્યા છે. પ્રચંડ પૂરનાં પાણી વચ્ચે રાધા-કૃષ્ણની મૂર્તિ સંપૂર્ણપણે સ્થિર રહી હોવાથી આ વિડિયો ભારે વાઇરલ થઈ રહ્યો છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદે ૭૬ વર્ષનો રેકૉર્ડ તોડ્યો
ભારે વરસાદને કારણે ઓલ્ડ મનાલીમાં આવેલી મનાલ્સુ રિવરમાં પૂર આવતાં એના પરનો બ્રિજ તૂટી ગયો હતો. ગઈ કાલે હિમાચલ પ્રદેશના છ નૅશનલ હાઇવે, ૧૩૧૧ રોડ અને ટ્રેન-સર્વિસ ઠપ થઈ ગયાં હતાં.
આ વર્ષે ઑગસ્ટમાં હિમાચલ પ્રદેશમાં થયેલા વરસાદે ૭૬ વર્ષનો રેકૉર્ડ તોડ્યો હતો. ગયા મહિને સામાન્ય કરતાં ૬૮ ટકા વધુ (૨૫૬.૮ મિલીમીટર) વરસાદ પડ્યો હતો. આ ૧૯૪૯ પછીનો સૌથી વધુ વરસાદ છે. શિમલામાં ભૂસ્ખલન અને ઘર ધરાશાયી થવાથી ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવામાન વિભાગે હજી આજે પણ હિમાચલના ૬ જિલ્લામાં ભારે વરસાદની રેડ અલર્ટ જાહેર કરી હોવાથી ૮ જિલ્લામાં સ્કૂલો અને કૉલેજો બંધ રહેશે.
ઓડિશાના બાલાસોરમાં લોકોનાં ઘરોમાં પાણી ફરી વળ્યાં હતાં.
યમુના નદીનું પાણી તાજમહલ સુધી પહોંચ્યું
આગરામાં યમુના નદીમાં ફરી એક વાર પૂર આવ્યું છે. નદીનું પાણી તાજમહલની સીમા સુધી પહોંચી ગયું છે. કૈલાશ ઘાટ, બાલકેશ્વરઘાટ, હાથીઘાટ અને દશરાઘાટની સીડીઓ સહિત આઠ સ્મશાનઘાટ ડૂબી ગયા છે. યમુના નદીનું પાણી ભયજનક સપાટીથી બે ફુટ ઉપર વહી રહ્યું છે.