નોબેલ વિજેતા અભિજિત બૅનરજીએ અર્થતંત્રને સુધારવાનો મંત્ર આપ્યો

06 May, 2020 08:58 AM IST  |  New Delhi | Agencies

નોબેલ વિજેતા અભિજિત બૅનરજીએ અર્થતંત્રને સુધારવાનો મંત્ર આપ્યો

નોબેલ પારિતોષિક વિજેતા અભિજિત બૅનરજી

જાણીતા અર્થશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા અભિજિત બૅનરજીએ કોરોના મહામારીથી ભારતના અર્થતંત્રને લૉકડાઉનથી પડી રહેલી મુશ્કેલીઓના ઉપાય તરીકે દેશની મોટી વસ્તીના હાથમાં રોકડા પૈસા આપવાનો ઉપાય દર્શાવ્યો છે જેથી રોકડ રકમ હાથમાં આવતાં લોકોની ખરીદશક્તિ વધતાં બજારમાં ખરીદી વધશે અને અર્થતંત્રની આખી ચેઇન કે જે કોરોનાથી તૂટી ગઈ છે એ ફરીથી ધમધમશે. લોકોને લૉકડાઉનમાં ખાવાનું મળતું નથી, એના ઉપાય તરીકે તેમણે એવો રસ્તો સૂચવ્યો છે કે જેમની પાસે રૅશન કાર્ડ નથી તેમને કમ સે કમ ત્રણ મહિના માટે અસ્થાયી રૅશન કાર્ડ આપવું જોઈએ જેથી તેને અનાજ વગેરે મળી શકે. તેમણે ખેડૂતોનું દેવું માફ કરવાની સખત જરૂર હોવાનો મત પણ દર્શાવ્યો હતો. તેઓ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા લૉકડાઉનમાંથી ભારતને ઉગારવાના પ્રયાસરૂપે જાણીતી હસ્તીઓ સાથે વાતચીત કરીને તેમના વિચારો સરકાર અને પ્રજા સમક્ષ મૂકી રહ્યા છે.

કોરોના મહામારીનો માર ઝીલી રહેલા દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે સરકારને દેશની એક મોટી વસતી પાસે પૈસા પહોંચાડવા પડશે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બૅનરજીએ ગઈ કાલે કહ્યું કે કોરોના સંકટનો માર ઝીલી રહેલા અર્થતંત્રને પાટા પર લાવવા માટે દેશની વસ્તીના એક મોટા હિસ્સાના હાથમાં એટલે કે લગભગ ૬૦ ટકા વસ્તીના હાથમાં પૈસા પહોંચાડવા પડશે. રાહુલ ગાંધી સાથે વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા દરમ્યાન બૅનરજીએ એ વાત પર પણ જોર આપ્યું કે ભારત સરકારને અમેરિકા અને કેટલાક બીજા દેશોની જેમ મોટું પ્રોત્સાહન પૅકેજ આપવું પડશે જેથી કરીને લોકોના હાથમાં પૈસા આવે અને બજારમાં માગ વધી શકે.

શું ‘ન્યાય’ની યોજનાના તર્જ પર લોકોને પૈસા આપી શકાય એવા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘ચોક્કસ’ આપી શકાય એમ છે. સાથોસાથ તેમણે એમ પણ કહ્યું કે જો આપણે નીચલા વર્ગની ૬૦ ટકા વસ્તીના હાથમાં થોડાક પૈસા આપીએ છીએ તો એમાં કશું ખોટું હશે નહીં. આ એક પ્રકારનું પ્રોત્સાહન હશે. જોકે પાછલી લોકસભા ચૂંટણીના સમયે તત્કાલીન કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૫મી માર્ચના રોજ ‘ન્યાય’નું વચન આપ્યું હતું. તેના અંતર્ગત દેશના અંદાજે પાંચ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક ૭૨,૦૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. બૅનરજીએ એમ પણ કહ્યું કે જેમની પાસે રૅશન કાર્ડ નથી તેમને કમસે કમ ત્રણ મહિના માટે અસ્થાયી રૅશન કાર્ડ આપવું જોઈએ જેથી કરીને તેમને અનાજ મળી શકે. બૅનરજીએ એમ પણ કહ્યું કે જરૂરિયાતમંદ સુધી પૈસા પહોંચાડવા માટે રાજ્ય સરકારો અને બિનસરકારી સંગઠનોની મદદ લઈ શકાય છે. તેમણે અમેરિકા અને બ્રાઝિલમાં રાષ્ટ્રપતિઓનો હવાલો આપતાં કહ્યું કે એ ખોટી ધારણા છે કે આવા સંકટના સમયમાં ‘મજબૂત વ્યક્તિ’ સ્થિતિને ઉકેલી શકે છે.

new delhi national news indian economy