કોરોનાની ત્રીજી લહેર આવશે જ એવો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી: નિષ્ણાતો

23 June, 2021 09:58 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

દેશમાં ડેલ્ટા પ્લસ મ્યુટન્ટના ૨૨ કેસ : ૧૬ મહારાષ્ટ્રમાં

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોવિડ-19 ઇન્ફેક્શન્સની ત્રીજી લહેર અનિવાર્ય છે અને એ ઑક્ટોબર સુધીમાં આવશે જ એવી થોડા દિવસથી વહેતી થયેલી થિયરીને ગઈ કાલે ટોચના વાઇરોલૉજિસ્ટો તેમ જ અન્ય તબીબી નિષ્ણાતોએ નકારી કાઢ્યો હતો.

આવી લહેરની સંભાવના એઇમ્સના ચીફ ડૉ. રણદીપ ગુલેરિયાએ ગયા અઠવાડિયે પત્રકારો સમક્ષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે છથી આઠ અઠવાડિયાંમાં થર્ડ વેવની શરૂઆત થઈ જશે એવી ધારણા છે. જોકે વાઇરોલૉજિસ્ટ ડૉ. વિજયાએ ગઈ કાલે એક મુલાકાતમાં કહ્યું હતું કે દેશમાં કોવિડની નવી લહેર આવશે એને આધાર આપતા કોઈ સાયન્ટિફિક ડેટા અને ટેક્નિકલ પરિબળો નથી મળ્યાં. હા, અત્યારે ઓસરી રહેલી બીજી લહેર ઉગ્ર ન બને એની લોકોએ ખાસ તકેદારી રાખવી પડશે.

કર્ણાટકના ડૉ. એમ. કે. સુદર્શને કહ્યું હતું કે મને નથી લાગતું કે ઑક્ટોબર સુધીમાં રાજ્યમાં ત્રીજી લહેર શરૂ થશે.

જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. ટી. જૅકબે પણ કહ્યું હતું કે નોવેલ કોરોના વાઇરસનો કોઈ નવો વેરિઅન્ટ સક્રિય નહીં બને તો દેશમાં કોવિડની ત્રીજી લહેરની કોઈ સંભાવના નથી.

દરમ્યાન કોરોનાના ડેલ્ટા પ્લસ મ્યુટન્ટના કુલ ૨૨ કેસ ભારતમાં નોંધાયા છે. એમાંથી ૧૬ મહારાષ્ટ્રમાં તથા બાકીના મધ્ય પ્રદેશ અને કેરલામાં મળી આવ્યા છે.

50,000

દેશમાં ૯૧ દિવસે કોરોનાના દૈનિક કેસનો આંકડો આટલી સંખ્યાથી ઓછો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૪૨,૬૪૦ કેસ હતા. અૅક્ટિસ કેસની સંખ્યા ૭૯ દિવસે પહેલી વાર ૭ લાખથી ઘટી છે.

7

કેરલામાં અૅસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ વૅક્સિન લીધા પછી આટલી વ્યક્તિઓ ગ્વિલેસન-બેર સિન્ડ્રોમ તરીકે ઓળખાતા માનસિક વિકારની ભોગ બની છે. બ્રિટનમાં આવા ૪ કેસ નોંધાયા છે.

coronavirus covid19 national news